~A 62-year-old brain-dead man’s organ donation at Ahmedabad Civil Hospital gives five needy patients a new lease of life, taking the hospital’s total to 262 donations.
Ahmedabad, Gujarat, Nov 22 (VNI) : ગુજરાત સરકાર સંચાલિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન સંપન્ન થયું છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ બ્રેઈનડેડ જાહેર કરાયેલા અમદાવાદના ૬૨ વર્ષીય પુરુષનાં પત્નીએ ભારે હૈયે અંગદાનની સંમતિ આપતાં પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન અને દૃષ્ટિની નવી આશા મળી છે. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સફળ અંગદાનનો આંકડો ૨૬૨ પર પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ૬૨ વર્ષીય પુરુષને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ૨૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
દર્દીને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ સિવિલ હોસ્પિટલની કાઉન્સેલિંગ ટીમ અને તબીબોએ તેમનાં પત્નીને અંગદાનના મહત્વ અને બ્રેઈનડેથની તબીબી સ્થિતિ અંગે સમજણ આપી હતી. પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ પત્નીએ હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે લેખિત સંમતિ આપી હતી.
આ અંગદાન થકી એક લીવર, બે કિડની અને બે આંખોનું દાન પ્રાપ્ત થયું હતું. દાનમાં મળેલું લીવર અને બંને કિડની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલ (IKDRC) ખાતે પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યાં હતાં, જ્યારે બંને આંખો સિવિલ કેમ્પસમાં આવેલી એમ.એન.જે. આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. આ રીતે પાંચ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવન અને દૃષ્ટિની નવી આશા મળી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૨૬૨ સફળ અંગદાન થકી કુલ ૧,૧૩૭ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. તેમાં ૮૭૧ મહત્વપૂર્ણ અંગોનો સમાવેશ થાય છે, જેમાં ૪૮૪ કિડની, ૨૩૬ લીવર, ૮૪ હૃદય, ૩૪ ફેફસાં, ૨૫ સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ), છ હાથ અને બે નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૬૬ પેશીઓના દાનમાં ૨૧૪ આંખો (કોર્નિયા) અને ૫૨ સ્કિન (ચામડી)નો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ પરિવારના નિર્ણયને બિરદાવતાં જણાવ્યું હતું કે, જીવનસાથીને ગુમાવવાની અત્યંત કપરી ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવાયેલો અંગદાનનો નિર્ણય સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન મહાદાન છે અને તે અનેક પરિવારોના જીવનમાં નવો ઉજાસ લાવે છે. સિવિલ હોસ્પિટલની તબીબી ટીમ અને કાઉન્સેલર્સની નિષ્ઠા તેમજ સમાજમાં વધી રહેલી જાગૃતિને કારણે ૨૬૨મા અંગદાનનો પડાવ હાંસલ થયો છે, જેના દ્વારા અનેક લોકોને નવું જીવન મળ્યું છે. VNI NEWS, Ahmedabad Civil Hospital Organ Donation, 262nd Organ Donation, Organ Donation Gujarat, Brain Dead Patient, IKDRC Ahmedabad, Ahmedabad Civil Hospital, Organ Donation, Gujarat, Ahmedabad, Brain Death, IKDRC, Kidney Transplant, Liver Donation, Eye Donation, Organ Donation Awareness, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *