~PM Narendra Modi virtually joins Gujarat BJP New Year gathering across 182 Assembly constituencies, highlighting 25 years of service and development.
Ahmedabad, Gujarat, Nov 22 (VNI) : ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપામાં દિવાળી બાદ નૂતન વર્ષે સૌ સાથે મળીને શુભેચ્છાઓની આપ-લે કરવી અને સામૂહિક સંકલ્પ કરવાનો વર્ષો જૂનો સંસ્કાર રહ્યો છે. ગુજરાતની જનતાએ તેમને સેવા કરવાની તક આપી તેના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ૨૫ વર્ષની વિકાસયાત્રામાં કાર્યકર્તાઓનો ત્યાગ, તપસ્યા, પરિશ્રમ અને સમર્પણ મહત્ત્વપૂર્ણ રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાને વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પ્રથમ દિવાળીને યાદ કરતાં જણાવ્યું હતું કે તે સમયે ભૂકંપગ્રસ્ત પરિવારોની વેદનામાં સહભાગી થવા મંત્રીઓએ દિવાળી નહીં ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ અનુભવથી તહેવારોની સાચી ખુશી બીજાના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવામાં હોવાનું સમજાયું હતું. તેમણે જણાવ્યું હતું કે જનભાગીદારી અને કાર્યકર્તાઓના સેવાભાવથી ગુજરાતે ભૂકંપ, દુષ્કાળ સહિત અનેક પડકારોને પાર કરીને ખેતી, ઉદ્યોગ, ડેરી, સેમિકન્ડક્ટર, પેટ્રોકેમિકલ, ઓટોમોબાઇલ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. તેમણે ભાજપાના કાર્યકર્તાઓની સેવા પરંપરા, સંગઠનની તાકાત અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની કાર્યસંસ્કૃતિની પ્રશંસા કરી હતી. સાથે જ સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને દેશના ૫૦ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાની સિદ્ધિનો ઉલ્લેખ કરતાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજ્યવ્યાપી કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા નિકોલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મજુરા વિધાનસભા બેઠકના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમંચ પર નવી ઓળખ મેળવી છે અને ગુજરાત ૨૫ વર્ષથી વધુ સમયથી વિકાસનું રોલમોડેલ બન્યું છે. ચિપથી શિપ અને સેમિકન્ડક્ટર જેવા આધુનિક ક્ષેત્રોમાં ગુજરાત નવી દિશા આપી રહ્યું છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને વનબંધુ કલ્યાણ જેવી યોજનાઓથી શિક્ષણ, આદિવાસી વિકાસ અને મહિલા સશક્તિકરણને વેગ મળ્યો છે. રાજ્યની ૧૧ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની હોવાનું તેમણે જણાવ્યું હતું. ભાજપાનું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નહીં, પરંતુ વિકાસની રાજનીતિ દ્વારા જનતાનાં હૃદય જીતવાનું છે તેમ પણ ઉમેર્યું હતું.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વડાપ્રધાનના જનસેવા, સુશાસન અને વિકાસનાં ૨૫ વર્ષને ગૌરવપૂર્ણ ગણાવતાં આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ અને જનધન જેવી યોજનાઓથી કરોડો નાગરિકોના જીવનમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યકર્તાઓને ભાજપાની સૌથી મોટી મૂડી ગણાવતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાર્યકર્તાઓ સાથે સતત જોડાયેલા રહેવા અને તેમના પરિશ્રમનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે મુખ્યમંત્રી દ્વારા આદિવાસી વિસ્તારોમાં ૭૨ કલાક ગામડાઓમાં રોકાઈ નાગરિકો સાથે સીધો સંવાદ સાધવાના પ્રયાસની પ્રશંસા કરી હતી અને આગામી દિવસોમાં મંત્રીઓ પણ વિધાનસભા વિસ્તારોમાં ૭૨ કલાક રોકાઈ જનસંપર્ક કરશે તેમ જણાવ્યું હતું.
રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો પર યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લા હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, ભાજપાના કાર્યકર્તાઓ, સામાજિક અગ્રણીઓ, સાધુ-સંતો, વેપારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નૂતનવર્ષના આ અવસરે સૌએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી સંગઠનની એકતા, સમર્પણ અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. વડાપ્રધાનના જાહેરજીવનમાં સેવા, સમર્પણ અને સુશાસનનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને પણ વિશેષ ગૌરવ સાથે યાદ કરવામાં આવ્યો હતો. VNI NEWS, BJP Gujarat New Year Gathering, Narendra Modi, Gujarat BJP, 182 Assembly Constituencies, Bhupendra Patel, Narendra Modi, Gujarat BJP, New Year Gathering, BJP Gujarat, Bhupendra Patel, Jagdish Vishwakarma, Harsh Sanghavi, Gujarat Politics, 182 Assembly Seats, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *