~ગાંધીનગરમાં રમાઈ રહેલી 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026માં રાજકોટ, અમદાવાદ અને આણંદની ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું. અન્ય મેચોમાં જામનગર, પાટણ અને કચ્છે જીત નોંધાવી.
Gandhinagar, Gujarat, July 22 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, અમદાવાદ અને આણંદની ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાકીની પાંચ ટીમોનો નિર્ણય 25 જુલાઈએ યોજાનારી મેચો બાદ થશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જામનગરે છોટાઉદેપુરને 8-3થી હરાવ્યું. જામનગર તરફથી પ્રભુ જેનાએ પાંચ, ધરમ ગોહીલે બે અને રાજવીર રબડિયાએ એક ગોલ નોંધાવ્યો હતો. છોટાઉદેપુર માટે શાઈરાજ રાઠવાએ બે અને વનરાજ રાઠવાએ એક ગોલ કર્યો હતો. અન્ય મેચમાં રાજકોટે મહેસાણાને 5-0થી પરાજય આપ્યો હતો. રાજકોટ તરફથી પ્રસન્ન જતીન, આદર્શ મિશ્રા, આયુષ નાયક, નિત્યરાજ સિંહ અને રામ ઓઝાએ એક-એક ગોલ કર્યો હતો.
આણંદ અને મહીસાગર વચ્ચેની મેચ ટુર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ રહી હતી. 4-4ની બરાબરી બાદ અંતિમ મિનિટોમાં આણંદે નિર્ણાયક ગોલ ફટકારી 5-4થી જીત મેળવી હતી. આણંદ માટે શીલ પ્રમિતે હેટ્રિક સહિત ત્રણ અને તનીશ ધામેચાએ બે ગોલ કર્યા હતા. મહીસાગર તરફથી અથર્વ દવે બે જ્યારે આરત નીરવ અને ધીલોન રનવીરસિંહે એક-એક ગોલ નોંધાવ્યો હતો.
અન્ય મેચોમાં પાટણે પંચમહાલને 13-0થી અને કચ્છે જુનાગઢને 10-0થી હરાવ્યું હતું. 23 જુલાઈએ મોરબી-સુરેન્દ્રનગર, વલસાડ-તાપી, ભરુચ-બોટાદ અને ગાંધીનગર-ભાવનગર વચ્ચે મેચો રમાશે. ટુર્નામેન્ટમાં ગુજરાતના 23 જિલ્લાની ટીમોને સાત ગ્રુપમાં વહેંચવામાં આવી છે અને હાલમાં ગ્રુપ સ્ટેજની સ્પર્ધાઓ ચાલી રહી છે. VNI NEWS, Gujarat Junior Football Tournament, Rajkot Football Team, Ahmedabad Football Team, Anand Football Team, Balram Kshatriya Memorial Trophy, Gujarat State Football Association, Junior Boys Football, Rajkot, Ahmedabad, Anand, Gandhinagar, Football Tournament, Sports, VNINews, VNINews.com
