~મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ વચ્ચે સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મંત્રીઓ અને સચિવોને તાત્કાલિક રવાના કર્યા. જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થતાં નદીકાંઠાના ગામોમાં એલર્ટ જાહેર.
~જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોના લોકોને સતર્ક રહેવા અપીલ
Navsari, Gujarat, July 23 (VNI): ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટી તંત્રને મદદરૂપ થવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવ રેમ્યા મોહન અને આલોક પાંડેને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કર્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા જ્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જિલ્લાઓમાં પ્રભારી સચિવોને પણ સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી છે.
નવસારી જિલ્લામાં તથા ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયા છે. જેના પરિણામે પૂર્ણા નદી સહિત હેઠવાસના વિસ્તારોમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા ઉભી થઈ છે. બંને ડેમના હેઠવાસમાં આવેલા વાંસદા, ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના અનેક ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, નદી કે પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા તેમજ જરૂર પડે ત્યારે સ્થળાંતર અંગે આપવામાં આવતી સૂચનાઓનું તાત્કાલિક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત અફવાઓથી દૂર રહી માત્ર જિલ્લા વહીવટી તંત્ર અને અધિકૃત માધ્યમો દ્વારા આપવામાં આવતી માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. VNI NEWS, Bhupendra Patel, Gujarat Heavy Rain, Navsari Rain, Juj Dam Overflow, Keliya Dam Overflow, Gujarat Government, Heavy Rain, Navsari, Surat, Valsad, Keliya Dam, Monsoon, Disaster Management, VNINews, VNINews.com
