~ગાંધીનગરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ અભિયાન, રિચાર્જ વેલ મુલાકાત અને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું.

Gandhinagar, Gujarat, Aug 02 (VNI): ગાંધીનગર શહેરના 62મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે વૃક્ષારોપણ, ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત રિચાર્જ વેલની મુલાકાત તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખીને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું અને વરસાદી પાણીના સંચય માટે તૈયાર કરાયેલા રિચાર્જ વેલનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને રૂ. 2.55 લાખની લોન સહાય, ICDS યોજના હેઠળ પોષણ કિટ, આયુષ્માન ભારત કાર્ડ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પુસ્તક કિટ પણ અર્પણ કરવામાં આવી.
સમારોહ દરમિયાન શહેરની સ્વચ્છતામાં નોંધપાત્ર કામગીરી કરનાર ત્રણ સફાઈ કર્મચારીઓને પ્રત્યેક રૂ.10,000ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરના સ્થાપના દિવસ નિમિત્તે કુલ 1,500 માતાઓને પોષણ કિટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર, આશિષ દવે, મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સહિત અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ માટે કોબા ખાતે 4,000 અને ભાટ ખાતે 10,000 મળીને કુલ 14,000 સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવાની યોજના જાહેર કરી છે. તેમજ કોબા તળાવ ખાતે સ્થાપિત રિચાર્જ વેલ સિસ્ટમ પ્રતિ મિનિટ 15થી 20 લિટર વરસાદી પાણીને વૈજ્ઞાનિક રીતે શુદ્ધ કરીને ભૂગર્ભ જળસ્તરમાં પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે ગાંધીનગરનો સ્થાપના દિવસ પર્યાવરણ જતન, જળ સંચય અને સામાજિક કલ્યાણના સંકલિત સંદેશ સાથે ઉજવાયો. VNI NEWS, Gandhinagar Foundation Day, Bhupendra Patel, Koba Lake, Catch the Rain, Tree Plantation, PM SVANidhi, Ayushman Bharat, Gujarat Government, ICDS, Environment, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *