~અમદાવાદમાં ‘શબ્દસંપદા’ અંતર્ગત પ્રો. સેજલ શાહે જૈન સાહિત્યસર્જક સુમતિમુનિના ‘ચોપાઈબદ્ધ અગડદત્તરાસ’ ગ્રંથ પર અભ્યાસલક્ષી અને મનનીય વ્યાખ્યાન આપ્યું.
Ahmedabad, Gujarat, Aug 02 (VNI): અમદાવાદમાં ‘શબ્દસંપદા’ વ્યાખ્યાનમાળાના અંતર્ગત જૈન સાહિત્યસર્જક સુમતિમુનિના જૈન સાહિત્યગ્રંથ ‘ચોપાઈબદ્ધ અગડદત્તરાસ’ વિષય પર પ્રો. સેજલ શાહે અભ્યાસલક્ષી અને મનનીય વ્યાખ્યાન આપ્યું. કાર્યક્રમનું આયોજન હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા શાસનસમ્રાટ ભવન, હઠીસિંગની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે વિજયશીલચંદ્રસૂરિશ્વર મહારાજ સાહેબની પ્રેરણાથી યોજાયેલી ‘શબ્દસંપદા’ વ્યાખ્યાનમાળામાં જૈન સાહિત્યસર્જકો અને તેમની પ્રશિષ્ટ કૃતિઓ અંગે વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ તેમણે કર્યું હતું. કાર્યક્રમમાં સાહિત્યકારો, સંશોધકો અને મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
પ્રો. સેજલ શાહે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે **’ચોપાઈબદ્ધ અગડદત્તરાસ’**માં અગડદત્તની કથા માત્ર શૌર્ય અને સાહસની ગાથા નથી, પરંતુ તેમાં પ્રેમ, શાસ્ત્રવિદ્યા, બુદ્ધિચાતુર્ય, માનવીય સંબંધો, જીવનની અનિશ્ચિતતા અને અંતે વૈરાગ્ય જેવા માનવજીવનના અનેક પાસાઓનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે જૈન કથાસાહિત્યમાં લોકકથા અને ધર્મબોધનો સુમેળ આ કૃતિને વિશિષ્ટ બનાવે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે અગડદત્ત કથાની વિવિધ આવૃત્તિઓ જૈન તથા જૈનેતર પરંપરામાં ઉપલબ્ધ છે. કથાવસ્તુ, પાત્રનિરૂપણ, મદનમંજરીનું પાત્ર, સાહસ અને શૃંગારના પ્રસંગો, નાટ્યતત્ત્વ તેમજ જૈન જીવનદર્શનના મૂલ્યો આ ગ્રંથને સાહિત્યિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે. VNI NEWS, Sejal Shah, Chopaibaddh Agaddattaras, Jain Literature, Sumatimuni, Shabdasampada, Ahmedabad, Jain Literature, Literature Event, Gujarat, VNINews, VNINews.com
