~સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદે ગાંધીનગરને 3-2થી હરાવી ચેમ્પિયનશિપ મેળવી. પટેલ માનવે ત્રણ ગોલ નોંધાવ્યા.

Gandhinagar, Gujarat, Sep 02 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં અમદાવાદ જિલ્લા ટીમે ગાંધીનગર જિલ્લા ટીમને 3-2થી હરાવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી.
ફાઇનલ મેચમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે શરૂઆતથી જ જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. પ્રથમ હાફના અંતે અમદાવાદની ટીમ 2-1થી આગળ હતી. અમદાવાદ તરફથી પટેલ માનવે બે ગોલ નોંધાવ્યા હતા, જ્યારે ગાંધીનગર તરફથી વિષ્ણુ કરીરે 15મી મિનિટે એક ગોલ કર્યો હતો.
બીજા હાફમાં ગાંધીનગરના અલમાન મન્સૂરીએ 49મી મિનિટે ગોલ કરીને મેચ 2-2થી બરાબરી પર લાવી હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે રોમાંચક રમત જોવા મળી હતી. મેચની 83મી મિનિટે અમદાવાદના પટેલ માનવે પોતાનો ત્રીજો ગોલ કરીને ટીમને 3-2ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી.
ફાઇનલ મેચ બાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારો મૂળરાજસિંહ ચુડાસમા, સપત શાહ, જતિન ભાવસાર, નટવર સિંહ સિસોદિયા, ક્રીનેશભાઈ, જગ્ગીભાઈ સહિતના મહાનુભાવોના હસ્તે બંને ટીમોના ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.
આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે, જ્યારે 15 ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવશે. આ પસંદગીથી રાજ્યના પ્રતિભાશાળી સબ-જૂનિયર ફૂટબોલ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે. VNI NEWS, Ahmedabad Football, Gandhinagar Football, Sub Junior Football, Gujarat Football, Inter District Football Tournament, GSFA, Football Championship, Ahmedabad Football Team, Sub Junior Boys Football Tournament, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *