~અમદાવાદમાં 20 ઇંચથી વધુ વરસાદ બાદ AMC દ્વારા 107 પંપ સાથે પાણીના નિકાલ, રેસ્ક્યુ અને શહેરવ્યાપી સફાઈ અભિયાન હાથ ધરાયું. 200થી વધુ લોકોનું સ્થળાંતર અને હજારો ક્લોરીન ટેબ્લેટનું વિતરણ.
Ahmedabad, Gujarat, July 24 (VNI): અમદાવાદમાં છેલ્લા બે દાયકાનો સૌથી ભારે વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા યુદ્ધના ધોરણે રાહત, બચાવ, પાણીના નિકાલ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે શહેરમાં 23 જુલાઈથી 24 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં 20 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં બોપલમાં સૌથી વધુ 504.3 મિ.મી. વરસાદ નોંધાયો છે.
કમિશનરે જણાવ્યું કે શહેરના તમામ 42 સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશનો અને કુલ 107 પંપ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. પાણી ભરાયેલા 126 સ્થળોમાંથી 52 સ્થળોએ સંપૂર્ણ નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના સ્થળોએ કામગીરી ચાલુ છે. શંકરભુવન વિસ્તારમાંથી આશરે 200 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને સાબરમતીના છારાનગર વિસ્તારમાંથી 11 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ દરમિયાન ઝાડ પડવાની 173 અને સ્ટ્રીટ લાઇટ સંબંધિત 46 ફરિયાદો પણ નોંધાઈ હતી.
AMCના આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં આશરે 76 હજાર ક્લોરીનની ગોળીઓનું વિતરણ કર્યું છે. વરસાદી પાણી ઓસરતા જ શહેરના 576 સ્થળોએ વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું છે, જેમાં અંદાજે 270 મેટ્રિક ટન કાદવ અને ગંદકી દૂર કરવામાં આવી છે. જંતુનાશક છંટકાવ સહિતની આરોગ્યલક્ષી કામગીરી પણ સતત ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બોપલ અને સેન્ટોસા વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને AMCના વરિષ્ઠ અધિકારીઓએ પણ વિવિધ વિસ્તારોમાં મેદાની મુલાકાત લઈને કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું. હાલમાં મોટાભાગના મુખ્ય માર્ગો પરથી પાણી ઓસરી ગયું છે અને માત્ર ચાંદલોડિયા અંડરપાસ બંધ છે. BRTS અને AMTS સેવાઓ પણ મોટા ભાગે નિયમિત રીતે કાર્યરત છે.
કમિશનરે જણાવ્યું કે વેસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે પશ્ચિમ વિસ્તારમાં અગાઉની સરખામણીએ પાણીના નિકાલમાં નોંધપાત્ર સુધારો થયો છે. જોકે બોપલ અને ઘુમા જેવા વિસ્તારોમાં જૂની સ્ટોર્મ વોટર સિસ્ટમ હોવાથી આગામી સમયમાં તેની ક્ષમતા વધારવાની યોજના છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને AMCએ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. VNI NEWS, Ahmedabad Heavy Rain, AMC Rescue, Water Logging Ahmedabad, Bopal Rain, Ahmedabad Rain Update, Ahmedabad, AMC, Heavy Rain, Bopal, Rescue Operation, Gujarat Rain, Monsoon, Civic Administration, VNINews. VNINews.com
