~Ahmedabad Civil Hospital recorded another successful organ donation after Amitaben donated her husband’s organs, offering hope of new life to five patients.

Ahmedabad, Gujarat, Sep 27 (VNI): અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અંગદાન નોંધાયું છે. પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે અમિતાબેને પરોપકારની ભાવના સાથે તેમના પતિના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે, જેના પરિણામે પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે. આ ઘટના અંગદાન પ્રત્યે પરિવારની માનવતાભરી ભાવના અને સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના સતત પ્રયાસોને ઉજાગર કરે છે.
મિનેશ પટેલે રવિવારે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી 46 વર્ષીય લખમણી મહેશભાઈને 24 સપ્ટેમ્બરના રોજ અકસ્માત નડ્યો હતો. પ્રથમ તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સઘન સારવાર માટે 25 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોની તમામ સઘન સારવાર અને પ્રયાસો છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં 26 સપ્ટેમ્બરના રોજ તબીબી તપાસ અને જરૂરી પ્રોટોકોલ મુજબ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ દુઃખદ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. જીનેન પંડ્યાએ મહેશભાઈના પત્ની અમિતાબેનને અંગદાનના મહત્વ તેમજ તેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને મળતા જીવનદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતિને ગુમાવવાના દુઃખ વચ્ચે પણ અમિતાબેને પરોપકારની ભાવના સાથે પતિના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મહેશભાઈના અંગદાનથી કુલ પાંચ અંગો પ્રાપ્ત થયા છે, જેમાં એક હૃદય, એક લીવર, બે કિડની અને એક સ્વાદુપિંડ (પેનક્રિયાસ)નો સમાવેશ થાય છે.
આ પૈકી લીવર, બંને કિડની અને પેનક્રિયાસને સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 256 અંગદાતાઓ પાસેથી કુલ 849 અંગોનું દાન પ્રાપ્ત થયું છે. તેમાં 230 લીવર, 472 કિડની, 24 સ્વાદુપિંડ, 81 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાના આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 204 ચક્ષુ અને 50 ચામડી સહિત કુલ 254 પેશીઓનું પણ દાન પ્રાપ્ત થયું છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 1103 અંગો અને પેશીઓનું દાન સફળતાપૂર્વક મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “અંગદાનની દરેક ઘટના પાછળ એક પરિવારનું મોટું દુઃખ અને માનવતાનો એક મહાન નિર્ણય જોડાયેલો હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા સતત કરવામાં આવતા પ્રયાસો, સમયસર કાઉન્સેલિંગ, તબીબી ટીમો સાથેનું સંકલન અને પરિવારજનોને આપવામાં આવતું માર્ગદર્શન અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહેશભાઈના પરિવારજનો દ્વારા દુઃખની આ ઘડીમાં લેવામાં આવેલો અંગદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંગદાનના આ સતત પ્રયાસોમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ, તબીબો, કાઉન્સિલરો, નર્સિંગ અને અન્ય સહાયક સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. VNI NEWS, Organ Donation, Ahmedabad Civil Hospital, Amitaben, Maheshbhai, Brain Dead Donor, Heart Donation, Liver Donation, Kidney Donation, Pancreas Donation, Gujarat
Focus Keywords: અંગદાન, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અંગદાતા, હૃદયદાન, લીવરદાન, કિડનીદાન, સ્વાદુપિંડ દાન, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *