~Dr. Babasaheb Ambedkar Open University organised a Vikas Saptah 2026 SSIP 2.0 startup and innovation awareness programme to promote entrepreneurship, AI skills, design thinking and startup development among students.
Ahmedabad, Gujarat, Oct 16 (VNI): ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ગુજરાત સરકારના ‘વિકાસ સપ્તાહ 2026’ અંતર્ગત ‘SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન અને ISIICTL વિભાગના નિયામક પ્રો. મનોજ શાહના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે જાગૃતિ કેળવવાનો તથા તેમના નવીન વિચારોને વ્યવહારુ સાહસોમાં રૂપાંતરિત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ICAI–WIRCના ચેરમેન CA રિંકેશ શાહ, મેસર્સ વિનસ એન્જિનિયરિંગ વર્ક્સના ડિરેક્ટર અનય મશરૂવાલા અને ગુજરાત સરકારના CED મેનેજર ધર્મેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. પ્રો. મનોજ શાહે કાર્યક્રમનો પરિચય આપતાં સ્ટાર્ટઅપ્સ સામે ઊભા થતા વિવિધ પડકારો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની કાર્યપદ્ધતિ અને તેમાં ઉપલબ્ધ તકો અંગે માહિતી આપી હતી. યુનિવર્સિટીના SSIP પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તેજેન્દ્ર પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
CA રિંકેશ શાહે ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. અનય મશરૂવાલાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમજવા અને ઉદ્યોગસાહસિક તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. ધર્મેન્દ્ર પંડ્યાએ ઉદ્યોગસાહસિકતાના પાયાના સિદ્ધાંતો તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપતી સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
કાર્યક્રમના વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ આધુનિક વ્યવસાયિક જરૂરિયાતો અને સ્ટાર્ટઅપના વિકાસ સાથે જોડાયેલા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. WIRCના RCM CA ફેનિલ શાહે ટેક્નિકલ કૌશલ્યોના મહત્ત્વ સાથે સ્ટાર્ટઅપના વિકાસ અને કાર્યક્ષમતા વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા સમજાવી હતી. ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના ફાઉન્ડર કરમજીતસિંહ બિહોલાએ ડિઝાઇન થિંકિંગ અને આઇડિયેશન પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. GLS યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટરના હેડ ડૉ. હિમા ત્રિવેદીએ માર્કેટ રિસર્ચ, સ્પર્ધાત્મક વિશ્લેષણ, બ્રાન્ડિંગ, સંચાર અને ડિજિટલ માર્કેટિંગના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
અંતિમ સત્રમાં યોજાયેલા ‘સ્ટાર્ટઅપ ફાઉન્ડર ટોક’માં સત્ય મહેતા અને હેલી સોપારકરે પોતાના ઉદ્યોગસાહસિક અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. તેમણે સ્ટાર્ટઅપની સ્થાપના અને વિકાસ દરમિયાન આવેલા પડકારો તથા તેમાંથી મેળવેલા બોધપાઠ અંગે ચર્ચા કરી હતી. સાથે જ સ્ટાર્ટઅપની સફળતા માટે ધીરજ, સતત પ્રયત્નો, યોગ્ય આયોજન અને સરકારી સહાયની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શ્રી દત્તા લો કન્સલ્ટન્સીના ફાઉન્ડર ડૉ. પ્રીતિ ચોથાણીએ બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઔદ્યોગિક ડિઝાઇનના રક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. મનોજ શાહે સ્ટાર્ટઅપ માટે નાણાકીય આયોજન, કોસ્ટિંગ, ફાઇનાન્સિંગ અને વેન્ચર કેપિટલ જેવા વિષયો સમજાવતાં સફળ સંચાલન અને વિકાસ માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થાપનનું મહત્ત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમના અંતે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં. ગુજરાત સરકારના ‘વિકાસ સપ્તાહ 2026’ અંતર્ગત SSIP 2.0 હેઠળ યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તથા તેમના વિચારોને વ્યવહારુ સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો હતો. આ પહેલ ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં યોગદાન આપી શકે તેવા નવીન વિચારધારા ધરાવતા યુવા ઉદ્યોગસાહસિકો તૈયાર કરવાની દિશામાં એક સઘન પ્રયાસ છે. VNI NEWS, Dr Babasaheb Ambedkar Open University, BAOU, Vikas Saptah 2026, SSIP 2.0, Startup Awareness Programme, Innovation Programme, Entrepreneurship, Gujarat Government, Startup Ecosystem, Artificial Intelligence, Design Thinking, Intellectual Property Rights, Ahmedabad Education News, BAOU SSIP 2.0 Programme, Vikas Saptah 2026 Gujarat, Startup and Innovation Awareness Programme, Entrepreneurship Development for Students, Dr Babasaheb Ambedkar Open University Ahmedabad
