~વિશ્વ યુવા કૌશલ્ય દિવસ-2026 નિમિત્તે બ્રહ્માકુમારીઝ RERF યુથ વિંગ દ્વારા “આંતરિક શક્તિ: સફળતાનું સૌથી મોટું કૌશલ્ય” વિષય પર ગુજરાતભરમાં વિશેષ યુવા જાગૃતિ અભિયાનનું આયોજન.
Gandhinagar, Gujarat, July 14 (VNI): વિશ્વ યુવા કૌશલ્ય દિવસ-2026 નિમિત્તે બ્રહ્માકુમારીઝના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (RERF)ની યુથ વિંગ દ્વારા “આંતરિક શક્તિ: સફળતાનું સૌથી મોટું કૌશલ્ય” વિષય પર રાજ્યવ્યાપી વિશેષ યુવા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ, વ્યક્તિત્વ વિકાસ અને જીવન કૌશલ્યોને પ્રોત્સાહન આપવાનો છે.
બી.કે. ભરતભાઈ શાહે જણાવ્યું કે દર વર્ષે 15 જુલાઈએ ઉજવાતા વિશ્વ યુવા કૌશલ્ય દિવસનો હેતુ યુવાનોને રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને સામાજિક વિકાસ માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. વર્ષ 2026ની વૈશ્વિક થીમ “Skills for a Shared Future” યુવાનોમાં સહયોગ, સર્જનાત્મકતા, અનુકૂલનશીલતા અને જવાબદાર નાગરિકત્વ જેવા ગુણોના વિકાસ પર ભાર મૂકે છે. ગુજરાત આજે સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે અને વિવિધ સરકારી પહેલોથી લાખો યુવાનો આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ટેક્નિકલ કૌશલ્ય પૂરતું નથી, પરંતુ ભાવનાત્મક બુદ્ધિમત્તા, આત્મજાગૃતિ, ધૈર્ય, જીવનમૂલ્યો, કરુણા અને આંતરિક શાંતિ જેવી આધ્યાત્મિક કૌશલ્યો પણ એટલી જ જરૂરી બની ગઈ છે. બ્રહ્માકુમારીઝની યુથ વિંગ રાજયોગ મેડિટેશન, મૂલ્ય આધારિત શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો દ્વારા યુવાનોમાં આત્મવિશ્વાસ, માનસિક સંતુલન અને જવાબદાર નેતૃત્વના ગુણો વિકસાવવા સતત કાર્યરત છે.
આ વર્ષની વિશેષ થીમ “આંતરિક શક્તિ: સફળતાનું સૌથી મોટું કૌશલ્ય” (Inner Strength: The Skill Behind Every Success) હેઠળ યોજાનાર અભિયાનનો ઉદ્દેશ યુવાનોને સમજાવવાનો છે કે જીવનમાં સાચી સફળતા માત્ર ડિગ્રી કે વ્યવસાયિક સિદ્ધિઓથી નહીં, પરંતુ આંતરિક શક્તિ, આત્મવિશ્વાસ, જીવનમૂલ્યો, ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક જાગૃતિથી પ્રાપ્ત થાય છે. આ અભિયાન વૈશ્વિક થીમને અનુરૂપ યુવાનોને સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કરશે.
અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતની કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રેરણાદાયી વ્યાખ્યાનો, વર્કશોપ, ઇન્ટરેક્ટિવ સત્રો, રાજયોગ મેડિટેશન અને મૂલ્ય આધારિત ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા યુવાનોમાં જીવન કૌશલ્યો અને આંતરિક શક્તિના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. VNI NEWS, Brahma Kumaris, World Youth Skills Day 2026, Inner Strength, Rajyoga Meditation, Youth Awareness Campaign, Gujarat, RERF, World Youth Skills Day, Youth Skills, Inner Strength, Gandhinagar, Youth Development
