~ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા વધુ સરળ બની. હવે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં રહે, ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નવી માર્ગદર્શિકા જાહેર કરી.
Gandhinagar, Gujarat, Aug 04 (VNI): ગુજરાતના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મંગળવારે જણાવ્યું છે કે હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર રહેશે નહીં.
રાજ્યના નાગરિકોને સરળ, પારદર્શક અને ઝડપી સેવા મળે તે હેતુથી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
શ્રી મલિકે જણાવ્યું કે પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન પોલીસ દ્વારા માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવામાં આવશે. અરજદારને વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહેવા માટે બોલાવવામાં આવશે નહીં.
નવી માર્ગદર્શિકા મુજબ પોલીસ દ્વારા અરજદારના સરનામાની અલગથી ચકાસણી, રૂબરૂ મુલાકાત અથવા સહી લેવાની પણ જરૂર રહેશે નહીં. માત્ર કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધારાની ખરાઈ જરૂરી જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ અરજદારના રહેઠાણની મુલાકાત લેશે. જોકે આવા સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર રહેશે નહીં.
રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડક પાલન કરવા આદેશ આપ્યો છે. સાથે જ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ નવી સરળ પ્રક્રિયાથી માહિતગાર રહે અને પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈપણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે. VNI NEWS, Gujarat Passport Verification, Passport Police Verification, Gyanendra Singh Malik, Gujarat Police, Passport Verification, Gujarat, Citizen Services, VNINews, VNINews.com
