~વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસની શી ટીમોએ રાજ્યભરમાં ૨,૩૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોની ઘરે જઈ શુભેચ્છા મુલાકાત લઈ સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું.
Gandhinagar, Gujarat, Aug 22 (VNI): વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં વરિષ્ઠ નાગરિકો સાથે રૂબરૂ સંવાદ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ વડીલોની ઘરે જઈ મુલાકાત લઈ તેમની સમસ્યાઓ અને ચિંતાઓ જાણી સુરક્ષા, સલામતી તથા જરૂરી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (CID ક્રાઇમ, મહિલા સેલ) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, વડીલોનું સન્માન કરવું એ માત્ર સામાજિક જવાબદારી જ નહીં, પરંતુ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વરિષ્ઠ નાગરિકો પ્રત્યેની આપણી ફરજ પણ છે. વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસનો હેતુ વરિષ્ઠ નાગરિકોના યોગદાન, અનુભવ અને અધિકારોને માન્યતા આપવા સાથે તેમના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુખાકારી અંગે જાગૃતિ વધારવાનો છે.
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં શી ટીમ દ્વારા ૨,૩૦૦થી વધુ સિનિયર સિટીઝનની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમોને વરિષ્ઠ નાગરિકો સાથે સમય વિતાવવા, તેમની સમસ્યાઓ સાંભળવા અને તેઓ એકલવાયા કે ઉપેક્ષિત ન અનુભવે તે સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રાજ્યભરના શહેરો અને જિલ્લાઓમાં પોલીસ ટીમોએ સિનિયર સિટીઝનોના ઘરે જઈ તેમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સુરક્ષા અને સલામતી અંગેની ચિંતાઓ જાણી તેમને જરૂરી માહિતી અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ પહેલનો હેતુ પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો તેમજ વૃદ્ધો માટે સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઊભું કરવાનો છે. સાથે જ, વરિષ્ઠ નાગરિકોની વિશિષ્ટ જરૂરિયાતો પ્રત્યે પોલીસ કર્મચારીઓમાં વધુ સંવેદનશીલતા વિકસે તે દિશામાં પણ આ અભિયાન મહત્વપૂર્ણ પગલું બન્યું છે. VNI NEWS, Gujarat Police, Senior Citizens Day, SHE Team, Senior Citizen Safety, Gujarat Police Senior Citizens, Senior Citizens, Gandhinagar, Gujarat, VNINews, VNINews.com
