~ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને 415 પોલીસ કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે.
Gandhinagar, Gujarat, Aug 22 (VNI): ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસને ધ્યાનમાં રાખીને સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
પોલીસ કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દાંપત્ય જીવનને પણ મહત્વ આપીને કરવામાં આવેલી આ બદલીઓમાં છ અલગ-અલગ કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં બિનહથિયારી અને હથિયારી ASI કેડરના 27, બિનહથિયારી અને હથિયારી હેડ કોન્સ્ટેબલ કેડરના 33, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેડરના 226 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેડરના 129 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આમ, કુલ 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસ હેઠળ સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કર્મચારીઓને ઘણી વખત પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. અલગ-અલગ જિલ્લા કે એકમમાં ફરજ બજાવવાના કારણે પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોવા છતાં એકબીજાથી દૂર રહેવાની સ્થિતિ ઊભી થતી હોય છે.
આવી પરિસ્થિતિમાં પરિવાર, સંતાનો અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા દ્વારા પતિ-પત્ની કેસ હેઠળ બદલી માટે કરવામાં આવેલી સ્વવિનંતીઓને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવી હતી.
આ નિર્ણયથી 415 પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ અને પરિવાર વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ મળશે. સાથે જ પોલીસ કર્મચારીઓની પારિવારિક જવાબદારીઓ પ્રત્યે વિભાગની સંવેદનશીલ અભિગમને પણ આ નિર્ણય દર્શાવે છે. VNI NEWS, Gujarat Police Transfer, 415 Police Personnel Transfer, Spouse Case Transfer, Gujarat Police, Police Transfer 2026, Police Transfer, 415 Police Personnel, Spouse Case, Gujarat Government, Police Department, Gandhinagar, VNINews, VNINews.com
