~ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઈટ્સને 6-0થી હરાવી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. મુકેશકુમારે હેટ્રિક નોંધાવી.
Ahmedabad, Gujarat, Sep 08 (VNI): ગુજરાત સુપર લીગ-3માં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઈટ્સને 6-0થી હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. આ જીત સાથે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં આગળ પહોંચી છે. ટીમના મુકેશકુમારે શાનદાર હેટ્રિક નોંધાવી હતી.
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સની આ ચોથી મેચ હતી. મેચ પહેલાં ટીમે બે જીત અને એક ડ્રૉ સાથે 7 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે કર્ણાવતી નાઈટ્સે ત્રણ મેચમાં બે જીત અને એક હાર સાથે 6 પોઈન્ટ મેળવ્યા હતા. મેચની શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત દર્શાવી હતી. 31મી મિનિટે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના કેપ્ટન અને મિડફિલ્ડર મોયુદ્દીન ખાને રાઈટ વિંગ પરથી આપેલા સુંદર પાસને આશિષ રાણાએ શાનદાર પ્લેસમેન્ટ સાથે ગોલમાં ફેરવી ટીમને 1-0ની લીડ અપાવી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર 1-0 રહ્યો હતો.
બીજા હાફમાં સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે આક્રમણ વધુ તેજ કર્યું હતું. 50મી મિનિટે નંબર-7 મુકેશકુમારે સુંદર પ્લેસમેન્ટ સાથે ગોલ કરીને સ્કોર 2-0 કર્યો હતો. 60મી મિનિટે મોયુદ્દીન ખાન પાસેથી મળેલા બોલ બાદ આદિત્યના પાસ પર મુકેશકુમારે પોતાનો અને ટીમનો ત્રીજો ગોલ નોંધાવ્યો હતો. ત્યારબાદ 73મી મિનિટે મુકેશકુમારે ફરી ગોલ કરી પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી અને ટીમને 4-0ની મજબૂત લીડ અપાવી હતી.
84મી મિનિટે દક્ષ અગ્રવાલે ગોલ કરીને સ્કોર 5-0 કર્યો હતો, જ્યારે ત્યારબાદ કાવ્ય ચૌહાણે છઠ્ઠો ગોલ નોંધાવ્યો હતો. અંતે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે કર્ણાવતી નાઈટ્સને 6-0થી પરાજય આપ્યો હતો.
સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના મુકેશકુમારને તેમના શાનદાર પ્રદર્શન બદલ મેક્સ પ્રોટીન મેન ઓફ ધ મેચનો એવોર્ડ અંકિત પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. આજે રાત્રે 9 વાગ્યે અમદાવાદ એવેન્જર્સ અને ગાંધીનગર જાયન્ટ્સ વચ્ચેની બીજી મેચ રમાવાની છે. આગામી 10 સપ્ટેમ્બરે સાંજે 6:30 વાગ્યે વડોદરા વોરિયર્સ અને સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, જ્યારે રાત્રે 9 વાગ્યે સુરત સ્ટ્રાઈકર્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે મુકાબલો થશે. VNI NEWS, Gujarat Super League 3, Saurashtra Spartans, Karnavati Knights, Mukesh Kumar, Football, Gujarat Football League, Points Table, Mukesh Kumar Hat-trick, VNINews, VNINew.com
