~નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માર્ગ અને મકાન વિભાગની 7 ટીમો સતત સર્વેલન્સ, માર્ગ મરામત અને વઘઈ–આહવા માર્ગ પર પાણીના નિકાલ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે.
~વઘઈ–આહવા માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માર્ગ અને મકાન વિભાગની રાઉન્ડ ધ ક્લોક કામગીરી
Navsari, Gujarat, July 22 (VNI): નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગ વ્યવહાર સુચારુ રહે તે માટે સતત સર્વેલન્સ, તાત્કાલિક મરામત અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય)ના કાર્યક્ષેત્ર હેઠળ કુલ 70 માર્ગો આવેલા છે. ભારે વરસાદને કારણે વાંસદા–હનુમાનબારી, વાંસદા–વાસીયા–તળાવ–બોરિયાચ–ખાટાઆંબા–કાણધા તેમજ ચીખલી–ખેરગામ–ધરમપુર સહિતના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહારને અસ્થાયી અસર પહોંચી હતી. જોકે વિભાગની ટીમોએ જેસીબી સહિતના સાધનોની મદદથી તાત્કાલિક વૃક્ષો દૂર કરી તમામ માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરી દીધા હતા.
વિભાગ દ્વારા જિલ્લાના તમામ માર્ગો પર સતત નજર રાખવા માટે 7 વિશેષ ટીમો કાર્યરત રાખવામાં આવી છે. આ ટીમો માર્ગોનું સતત સર્વેલન્સ કરી રહી છે અને જ્યાં જરૂરી હોય ત્યાં દૈનિક મરામત કામગીરી હાથ ધરી માર્ગોને સલામત અને વાહનવ્યવહારલાયક રાખવાના પ્રયાસો કરી રહી છે.
ડાંગ જિલ્લામાં સતત વરસાદને પગલે વઘઈ–આહવા મુખ્ય માર્ગના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા રોડ સાઇડના વોટરવે, ડ્રેનેજ ચેનલો અને પાણીના નિકાલના માર્ગોની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં અવરોધ સર્જાયો છે ત્યાં મશીનરી અને માનવબળની મદદથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. વિભાગે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન સાવચેતીપૂર્વક મુસાફરી કરવા, પાણી ભરાયેલા માર્ગો પર વાહનની ગતિ નિયંત્રિત રાખવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. VNI NEWS, Navsari Roads, Dang Roads, Monsoon Road Repair, Vaghai Ahwa Road, Gujarat PWD, Navsari, Dang, Road and Building Department, Monsoon, Road Repair, Vaghai Ahwa Road, Gujarat, VNINews, VNINews.com
