~Ahmedabad Civil Hospital receives its 51st skin donation along with two eye donations from the family of deceased Pankajbhai Parmar, offering hope to patients in need.

Ahmedabad, Gujarat, Oct 03 (VNI): અમદાવાદના શાહીબાગના રહેવાસી સ્વ. પંકજભાઈ પરમારના પરિવારજનોએ દુઃખની કપરી ઘડીમાં પણ માનવતાની જ્યોત પ્રજ્વલિત રાખીને તેમની બે આંખો અને ચામડી (સ્કીન)નું દાન કરીને સંવેદનશીલતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારના આ નિર્ણયથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશા અને નવી શક્યતાઓ ઊભી થઈ છે.
ગુજરાત સરકાર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન તથા પેશીદાન અંગે કરવામાં આવી રહેલી જનજાગૃતિ અને સતત પ્રયાસોના પરિણામે સિવિલ હોસ્પિટલની રોટરી સ્કીન બેંકને આ દાન સાથે 51મું સ્કીન દાન પ્રાપ્ત થયું છે. આ સાથે મળેલી બે આંખોના દાનથી દૃષ્ટિની જરૂરિયાત ધરાવતા દર્દીઓના જીવનમાં નવી આશા અને પ્રકાશ ફેલાવવામાં મદદ મળશે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે શાહીબાગમાં રહેતા 35 વર્ષીય પંકજભાઈ પરમારનું સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આઈસીયુમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.
આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર ભાવેશભાઈ પરમારે પરિવારજનોને સ્કીન અને આંખોના દાનનું મહત્ત્વ સમજાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. મૃતકના ભાઈ વિક્રમભાઈ પરમારે સંમતિ આપતાં 1 ઓક્ટોબરના રોજ પંકજભાઈની બંને આંખો અને ચામડીનું દાન સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ પોતાના વ્યક્તિગત દુઃખને માનવસેવામાં પરિવર્તિત કરીને સમાજને પ્રેરણારૂપ સંદેશ આપ્યો છે કે માનવજીવનની અંતિમ ક્ષણો પછી પણ કોઈનું દાન અન્ય વ્યક્તિ માટે આશાનું કિરણ બની શકે છે.
અંગદાન અને પેશીદાનને માનવતાનું સર્વોચ્ચ સ્વરૂપ ગણાવતા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે આંખોના દાનથી દૃષ્ટિ ગુમાવનારા જરૂરિયાતમંદ દર્દીઓને ફરીથી દુનિયા જોવાની તક મળી શકે છે, જ્યારે સ્કીનનું દાન ગંભીર રીતે દાઝેલા દર્દીઓની સારવારમાં અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. સ્કીન દાનથી દાઝેલા દર્દીઓના ઘાને સુરક્ષિત રાખવામાં, ચેપનું જોખમ ઘટાડવામાં અને ઘા રૂઝાવવાની પ્રક્રિયામાં મદદ મળી શકે છે. તેમણે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અંગદાન અને પેશીદાન અંગે જનજાગૃતિ ફેલાવવા સતત પ્રયત્નશીલ છે.
સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ. જયેશ સચદેએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝેલા દર્દીઓની સારવારમાં માનવ ચામડીનું દાન અત્યંત ઉપયોગી છે. આવા દર્દીઓમાં શરીરની ચામડીના મોટા ભાગને નુકસાન થયું હોય ત્યારે દાનમાં મળેલી ચામડીનો ઉપયોગ ઘાને અસ્થાયી આવરણ પૂરું પાડવા માટે થઈ શકે છે. તે શરીરમાંથી પ્રવાહીનું વધુ પડતું નુકસાન ઘટાડવામાં, ચેપ સામે રક્ષણ પૂરું પાડવામાં અને ઘા રૂઝાવવાની પ્રક્રિયામાં મદદરૂપ બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય દર્દીમાં અને તબીબી જરૂરિયાત મુજબ સ્કીનનો ઉપયોગ સારવારનો મહત્ત્વપૂર્ણ ભાગ બની શકે છે અને આ અંગે લોકોમાં જાગૃતિ વધે તે જરૂરી છે.
સરકાર અને સિવિલ હોસ્પિટલ તંત્રના સુનિશ્ચિત આયોજન તથા જનજાગૃતિના પરિણામે અંગદાન અને પેશીદાન ક્ષેત્રે સતત પ્રગતિ થઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 206 આંખો તેમજ 51 સ્કીનનું દાન મળી કુલ 257 પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત 849 અંગો મળી અત્યાર સુધીમાં કુલ 1,106 અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં સફળતા મળી છે. ત્વચાદાન અંગે વધુ માહિતી માટે ઈચ્છુક પરિવારો અને નાગરિકો સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંકનો 9428265875 પર સંપર્ક કરી શકે છે. VNI NEWS, Pankajbhai Parmar, Skin Donation, Eye Donation, Ahmedabad Civil Hospital, Rotary Skin Bank, Organ Donation, Tissue Donation, Ahmedabad, Gujarat, Skin Donation Ahmedabad, Eye Donation Ahmedabad, Ahmedabad Civil Hospital Skin Bank, Organ and Tissue Donation, Pankajbhai Parmar Donation, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *