~કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના હેઠળ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં 100 ટકા સબસિડીથી સોલર પંપ મળતા ખેડૂતો વર્ષભર સિંચાઈ કરી વધુ ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે.

Gandhinagar, Gujarat, July 20 (VNI): ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સોલર પંપની સુવિધાથી ખેડૂતો હવે વીજળીની અછત અને મોંઘા વીજ બિલથી મુક્ત બની વર્ષભર વિવિધ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 100 ટકા સબસિડીથી આ યોજના ગામડાઓમાં કૃષિ સમૃદ્ધિનું નવું મોડેલ બની રહી છે.
ડાંગ જિલ્લાના ઉમરપાડા ગામના ખેડૂત ભરતભાઈ વાઘમારે જણાવ્યું કે સોલર પંપ મળ્યા બાદ તેઓ હવે માત્ર ચોમાસા પર નિર્ભર નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળતા સતત પાણીના કારણે તેઓ ડાંગર, તુવેર, અડદ ઉપરાંત રીંગણ અને ચોળી જેવા શાકભાજીનું વર્ષભર ઉત્પાદન મેળવી રહ્યા છે.
તાપી જિલ્લાના ગવાન ગામના ખેડૂત રાજેશભાઈ વસાવા પણ સોલર પંપની મદદથી વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે. યોજનાના કારણે હવે ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે જાગવું પડતું નથી તેમજ ડીઝલ અને વીજળીના વધતા ખર્ચમાંથી પણ રાહત મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં કેન્દ્રની 30 ટકા સહાય ઉપરાંત રાજ્ય તરફથી 70 ટકા સહાય આપીને ખેડૂતોને 100 ટકા સબસિડીનો લાભ ઉપલબ્ધ કરાવ્યો છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પીએમ કુસુમ યોજના હેઠળ અત્યાર સુધી 695 મેગાવોટ ક્ષમતાના 256 સોલર પાવર પ્લાન્ટ કાર્યરત થયા છે, જેના દ્વારા અંદાજે 2.97 લાખ કૃષિ પંપોનું સોલરાઈઝેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત 22,787થી વધુ સ્ટેન્ડઅલોન સોલર પંપ ખેતરોમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે આ ટેક્નોલોજી આદિવાસી ખેડૂતો માટે માત્ર સિંચાઈનું સાધન નહીં પરંતુ વધુ ઉત્પાદન, વધુ આવક અને આત્મનિર્ભર જીવન તરફનું સશક્ત માધ્યમ બની છે. VNI NEWS, PM Kusum Scheme, Gujarat Solar Pump, Tribal Farmers Gujarat, Solar Irrigation, PM Kusum Gujarat, Gujarat, Solar Pump, Tribal Farmers, Agriculture, Renewable Energy, Bhupendra Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *