~A literary lecture titled ‘So Touch Nu Sonu’ was organised in Ahmedabad to commemorate the 20th death anniversary of noted Gujarati children’s writer and translator Ramanlal Pitambaradas Soni ‘Sudamo’.

Ahmedabad, Gujarat, Sep 22 (VNI): અમદાવાદમાં બાળસાહિત્યકાર અને અનુવાદક રમણલાલ પીતાંબરદાસ સોની ‘સુદામો’ની ૨૦મી પુણ્યતિથિ નિમિત્તે ‘સો ટચનું સોનું’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રમણલાલ સોનીના જીવન અને સાહિત્યિક પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ ‘સો ટચનું સોનું’ અંતર્ગત રમણલાલ સોનીના જીવન વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રમણલાલ સોનીના ઘડતરમાં તેમના પિતા પીતાંબરદાસનો અમૂલ્ય ફાળો હતો. રમણલાલ સોનીએ પોતાની આત્મકથામાં પોતાના જીવનની વાત પારદર્શક રીતે રજૂ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના ઘરમાં વિવિધ ક્ષેત્રોની ચર્ચાઓ થતી હતી તેમજ રા. વિ. પાઠક અને નગીનદાસ સાથે પણ રમણલાલ સોનીનો સારો ઘરોબો હતો.
બાળસાહિત્યકાર રમણલાલ સોનીના સાહિત્યિક જીવન અંગે સાહિત્યકાર યશવન્ત મહેતાએ જણાવ્યું હતું કે માત્ર ૧૩ વર્ષની ઉંમરથી જ તેમની ઓળખ રાષ્ટ્રવાદી તરીકે ઉભરી હતી. તેમણે ૧૩ વર્ષની ઉંમરે ખાદી પહેરવાનું શરૂ કર્યું હતું અને રાષ્ટ્રીય આંદોલનમાં પણ ભાગ લીધો હતો. ગાંધીજીની આજ્ઞા અનુસાર તેમણે ૬૪ વર્ષ સુધી મોડાસામાં રહીને કાર્ય કર્યું હતું. તેઓ યરવડા જેલમાં પણ ગયા હતા. નગીનદાસે જેલ દરમિયાન રમણલાલ સોનીને બંગાળી ભાષા શીખવી હતી. રમણલાલ સોનીનો ‘ચબૂતરો’ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે રમણલાલ સોનીના પુત્ર ડૉ. શ્રીરામ સોની અને તેમના પત્ની રેણુકા સોની સહિત પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Ramanlal Soni, Sudamo, Gujarati Literature, Children’s Literature, Gujarat Sahitya Akademi, Om Communication, So Touch Nu Sonu, Gujarati Literary Lecture, Ahmedabad Literature, Ramanlal Soni ‘Sudamo’, So Touch Nu Sonu, Gujarati literary lecture, Ramanlal Soni death anniversary, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *