~સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
Gandhinagar, Gujarat, Aug 31 (VNI): વડોદરા, અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાની ટીમોએ સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર સોમવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલની પ્રથમ મેચમાં વડોદરાની ટીમે પગી યુગના 6 ગોલ, આર્યવંશ ત્રિપાઠીના 3 ગોલ અને મિતાંશ પટેલના 2 ગોલની મદદથી કચ્છની ટીમને 11-1ના મોટા માર્જિનથી હરાવી હતી. કચ્છ તરફથી એકમાત્ર ગોલ સંજય મારવાડાએ કર્યો હતો.
બીજી ક્વાર્ટર ફાઇનલમાં મજબૂત ગણાતી અમદાવાદની ટીમે શશાંક સંજયના 3 ગોલ, માનવ પટેલના 3 ગોલ અને અવીજિત ગીરીના 1 ગોલની મદદથી ભાવનગરની ટીમને 7-1થી હરાવી હતી. ભાવનગર તરફથી અક્ષ અમરિત કુમારે એક ગોલ કર્યો હતો. ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં રાજકોટની ટીમે જિનય મહેતાના 3 ગોલ અને હેનિલ કનેરિયાના 2 ગોલની મદદથી વલસાડ જિલ્લાની ટીમને 5-0થી હરાવી હતી.
ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં ગાંધીનગરની ટીમે સુરતની ટીમને 9-3ના મોટા માર્જિનથી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મંગળવારે પ્રથમ સેમિફાઇનલમાં વડોદરા અને અમદાવાદની ટીમો આમને-સામને થશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં રાજકોટ અને ગાંધીનગરની ટીમો વચ્ચે મુકાબલો થશે. ફાઇનલ મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત આ સબ-જૂનિયર બોયઝ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ ગાંધીનગર ખાતે રમાઈ રહી છે. ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. VNI NEWS, Gujarat Football, Sub Junior Boys Football, Inter District Football Tournament 2026, Vadodara Football, Ahmedabad Football, Rajkot Football, Gandhinagar Football, GSFA, Sub Junior Boys Inter District Football Tournament 2026, VNINews, VNINews.com
