~ખેડાના ઠાસરા તાલુકામાં સરદારપુરા-ચીતલાવને જોડતા આશરે 60 વર્ષ જૂના રાણીયા કોતર બ્રિજના નવીનીકરણ માટે સરકારમાં દરખાસ્ત કરાઈ.
Gandhinagar, Gujarat, Aug 16 (VNI): ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયા ગામ નજીક સરદારપુરા અને ચીતલાવ ગામને જોડતા રાણીયા કોતર પરના આશરે 60 વર્ષ જૂના બ્રિજના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, 16 ઓગસ્ટના રોજ સવારે આશરે 9 વાગ્યે રાણીયા કોતરમાં સાં. 15730 ફૂટ પર આવેલા વી.આર.બી.માં માટીનું સેટલમેન્ટ શરૂ થયું હતું. સેટલમેન્ટ ક્રમશઃ વધતાં પિયર અને ગર્ડર સહિત બ્રિજનો કેટલોક ભાગ કોતરમાં બેસી ગયો હતો.
બ્રિજને થયેલા નુકસાનમાં કોઈ જાનહાનિ થઈ નથી. સાવચેતીના ભાગરૂપે બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આ બ્રિજ સરદારપુરાથી ચીતલાવ ગામ સીમ વિસ્તારને જોડતા માર્ગ પર આવેલો છે.
અવરજવર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. બ્રિજના ઉપરવાસમાં આશરે 1.4 કિમી દૂર નેસ-રાણીયા ગામને જોડતો માર્ગ અને મકાન વિભાગનો નવો બ્રિજ આવેલો છે. ઉપરાંત, આશરે 2.5 કિમી દૂર મંજીપુરા-ભગવાનજીના મુવાડા ગામને જોડતો માર્ગ પણ ઉપલબ્ધ હોવાથી વાહનવ્યવહાર વૈકલ્પિક માર્ગે થઈ શકે છે.
18 જુલાઈ, 2025ના માર્ગ અને મકાન વિભાગના જી.આર. મુજબ, બ્રિજની બંને બાજુ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના રસ્તા હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી માટે મામલો માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ને સોંપવામાં આવ્યો છે. આ અંતર્ગત બ્રિજના નવીનીકરણ માટે ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. VNI NEWS, Kheda, Raniya Bridge, Sardarapura, Chitalav, Thasra, Gujarat Government, R&B Department, Bridge Renovation, VNINews, VNINews.com
