~અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૫૧મું અંગદાન થયું. બુધાભાઈ પરમારના અંગદાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું.
Ahmedabad, Gujarat, Aug 17 (VNI): સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતું ૨૫૧મું અંગદાન સંપન્ન થયું હતું. ખેડા જિલ્લાના કપડવંજ ખાતે રહેતા ૩૮ વર્ષીય બુધાભાઈ સોઢાભાઈ પરમાર બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાનનો સંવેદનશીલ અને સાહસિક નિર્ણય લીધો હતો, જેના પરિણામે ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે.
બુધાભાઈ પરમાર ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોની સઘન સારવાર છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થતાં ૧૪ ઓગસ્ટના રોજ તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
જીવનસાથી ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ બુધાભાઈનાં પત્ની ભાવનાબેન અને પરિવારજનોએ અસીમ ધૈર્ય દાખવીને અંગદાન માટે સંમતિ આપી હતી. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવત દ્વારા કરવામાં આવેલા યોગ્ય કાઉન્સેલિંગ બાદ પરિવારે માનવતાના અભિગમ સાથે લેખિત સંમતિ આપી હતી.
અંગદાનમાં પ્રાપ્ત થયેલું હૃદય સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે દાનમાં મળેલું એક લીવર અને બે કિડની IKDRC (કિડની હોસ્પિટલ) ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વના દિવસે બ્રેઈન ડેડ દર્દીના અંગદાનથી અન્ય દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ ૨૫૧ અંગદાતાઓ થકી ૧,૦૭૯ અંગો અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. તેમાં ૪૬૪ કિડની, ૨૨૫ લીવર, ૭૯ હૃદય, ૩૪ ફેફસાં, ૨૧ સ્વાદુપિંડ, ૦૬ હાથ અને ૦૨ નાનાં આંતરડાં મળી કુલ ૮૩૧ અંગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૦૦ ચક્ષુ અને ૪૮ ચામડી (સ્કિન) મળીને કુલ ૨૪૮ પેશીઓ પ્રાપ્ત થઈ છે. VNI NEWS, Ahmedabad Civil Hospital, Organ Donation, 251st Organ Donation, Brain Dead Donor, Gujarat Organ Donation, Budhabhai Parmar, Heart Transplant, Liver Transplant, Kidney Transplant, Civil Hospital Ahmedabad, Ahmedabad Civil Hospital Organ Donation, Organ Transplant, VNINews, VNINews.com
