~ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે. અમિત શાહ મુખ્ય અતિથિ અને આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહેશે. 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે.

Ahmedabad, Gujarat, Aug 24 (VNI): ગૂજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટ, ગુરુવારે યોજાશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠના ગાંધી પરિસરના ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં સાંજે 4:30 કલાકે યોજાનારા સમારોહમાં સાત વિદ્યાશાખાના 18 વિભાગોના કુલ 900 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. તેમાં સ્નાતક કક્ષાના 184, અનુસ્નાતક કક્ષાના 400, સ્નાતકોત્તર અભ્યાસક્રમના 232, અનુસ્નાતક ડિપ્લોમાના 21 અને એમ.ફિલ./પીએચ.ડી.ના 63 પદવીધારકોનો સમાવેશ થાય છે. કુલ પદવીધારકોમાં 441 વિદ્યાર્થીનીઓ અને 459 વિદ્યાર્થીઓ છે.
સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ અમિતભાઈ શાહના હસ્તે 11 વિદ્યાર્થીઓને વિદ્યાશાખાના ‘કુલાધિપતિ મંદિર ચંદ્રક’, વિભાગના ‘ધ્વજ ચંદ્રક’ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં ઉપસ્થિત 559 પદવીધારકોને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે, જ્યારે કુલપતિ ડૉ. હર્ષદ પટેલ સ્વાગત પ્રવચન કરશે.
મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ચંદ્રક માટે માત્ર શૈક્ષણિક સિદ્ધિને જ નહીં, પરંતુ સર્વાંગી સિદ્ધિને પણ મહત્વ આપવામાં આવે છે. પસંદગીમાં સંશોધન અને નવીનતા આધારિત પ્રોજેક્ટ્સ, સાહિત્યિક-સાંસ્કૃતિક તથા તકનીકી પ્રવૃત્તિઓ, સામુદાયિક સેવા, NSS અને NCCમાં યોગદાન, ઇન્ટર્નશિપ, ક્ષેત્રકાર્ય, નેતૃત્વ, રમતગમત, નૈતિક આચરણ અને ગાંધીવાદી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. અગાઉ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉ. ઝાકિર હુસૈન, જ્ઞાની ઝૈલસિંહ, ડૉ. શંકર દયાળ શર્મા, શ્રી પ્રણવ મુખર્જી અને દલાઈ લામા સહિતના મહાનુભાવો પણ વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતાં. VNI NEWS, Gujarat Vidyapith Convocation, Gujarat Vidyapith 72nd Convocation, Amit Shah, Acharya Devvrat, Gujarat Vidyapith Ahmedabad, Ahmedabad, Gujarat Education, Convocation Ceremony, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *