~Hare Krishna Temple Bhadaj celebrated Sri Radhashtami with devotional rituals, Mahabhishek, Rajbhog, kirtans, Maha Aarti and a grand palki festival.
Ahmedabad, Gujarat, Sep 20 (VNI): હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી કૃષ્ણના સવોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાણીના અવતરણના શુભ દિવસ નિમિત્તે શ્રી રાધાષ્ટમી ઉત્સવ ભાવપૂર્વક ઉજવાયો હતો. ઉત્સવ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદના પ્રેસિડેન્ટ જગનમોહન કૃષ્ણ દાસે જણાવ્યું હતું કે જન્માષ્ટમી ઉત્સવના 15 દિવસ બાદ રાધાષ્ટમી ઉત્સવ આવે છે. વૃંદાવનની ગોપીઓમાં રાધારાણીને મુખ્ય ગોપી તરીકે ભાવપૂર્વક પૂજવામાં આવે છે. રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શુદ્ધ ભક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ પ્રસંગે ભક્તોએ કૃષ્ણ ભક્તિ સાથે શ્રીમતી રાધારાણીની પૂજા અને પ્રાર્થના કરી હતી.
રાધાષ્ટમી નિમિત્તે હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શ્રી શ્રી રાધા માધવને ભવ્ય નવા વસ્ત્રો પહેરાવીને વિવિધ અલંકારો તથા સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. મંદિર અને ગર્ભગૃહને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવતા સમગ્ર પરિસરમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. શ્રી શ્રી રાધા માધવના આશીર્વાદ મેળવવા ભક્તો દ્વારા વિવિધ વિશેષ સેવાઓ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે 108 વિવિધ પ્રકારના રાજભોગનું અર્પણ, સાત પવિત્ર નદીઓમાંથી એકત્ર કરાયેલા જળના 108 કળશ દ્વારા મહાભિષેક તથા ઋગ્વેદમાં વર્ણવાયેલા ‘પુરુષ સૂક્ત’નું પઠન કરવામાં આવ્યું હતું. ભક્તોએ શ્રીમતી રાધારાણીના મહત્વ અને તેમના દિવ્ય ગુણોનું વર્ણન કરતા કીર્તન તથા ભજનો રજૂ કર્યા હતા. હરે કૃષ્ણ મંદિર, ભાડજના પ્રેસિડેન્ટ જગનમોહન કૃષ્ણ દાસે રાધાષ્ટમીના મહાત્મ્ય વિષે વિશેષ પ્રવચન પણ આપ્યું હતું.
ઉત્સવના અંતમાં ભગવાનની પ્રસન્નાર્થે મહા આરતી અને ભવ્ય પાલકી ઉત્સવ યોજાયો હતો. આ દરમિયાન ભક્તો દ્વારા વૃંદાવનમાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના શ્રેષ્ઠ ભક્તોમાંના એક શ્રીલ રૂપ ગોસ્વામી દ્વારા રચિત ‘શ્રી રાધિકાષ્ટક’નું ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઉત્સવ દરમિયાન મંદિર પરિસર ભક્તિ, કીર્તન અને આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું. VNI NEWS, Sri Radhashtami, Hare Krishna Temple Bhadaj, Radha Rani, Radha Madhav, Ahmedabad, Radhashtami Festival, ISKCON Bhadaj, Mahabhishek, Maha Aarti, Sri Radhashtami Festival 2026, Hare Krishna Temple Bhadaj, Radha Rani, Radha Madhav, Radhashtami Ahmedabad, VNINews, VNINews.com
