~Ambaji Bhadarvi Poonam Mahamela begins with extensive arrangements for millions of devotees, including shelters, food, water, parking, medical aid, sanitation and security facilities.

Ambaji, Gujarat, Sep 20 (VNI): ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં રવિવારથી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો છે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચવાના હોવાથી યાત્રાળુઓની સુવિધા, સલામતી, સ્વચ્છતા અને સરળ અવરજવરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશાળ પાયે તૈયારીઓ કરવામાં આવી છે.
કન્હૈયા કોષ્ટીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સમગ્ર તંત્ર અંબાજી ખાતે ઉમટી રહેલા માઈભક્તોની સેવામાં સજ્જ છે. ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને રેસ્ટ શેલ્ટર, પાર્કિંગ, શૌચાલય, પીવાનું પાણી, આરોગ્ય સેવા, સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી, મોબાઇલ ચાર્જિંગ અને ફ્રી ફૂડ શેલ્ટર સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
મેળા દરમિયાન લાંબી યાત્રા કરીને આવતા ભક્તોને આરામ મળી રહે તે માટે કુલ 12,300 ચો.મી. વિસ્તારમાં રેસ્ટ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. હડાદ રૂટ પર પાંચ રેસ્ટ શેલ્ટરમાં આશરે 2,776 યાત્રાળુઓ માટે સિંગલ અને બંક બેડની સુવિધા છે, જ્યારે દાંતા રૂટ પર બે રેસ્ટ શેલ્ટરમાં આશરે 1,140 યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરાઈ છે. હડાદ રૂટ પર 600 ફ્લોર બેડિંગની ક્ષમતા ધરાવતો અલગ રેસ્ટ શેલ્ટર પણ તૈયાર કરાયો છે. યાત્રાળુઓ માટે આશરે 2,190 ચો.મી. વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે.
પીવાના પાણી માટે મુખ્ય હાઇવે અને યાત્રામાર્ગો પર કુલ 30 વોટર પેગોડા બનાવવામાં આવ્યા છે, જેમાં હડાદ રૂટ પર 13, દાંતા રૂટ પર 13 અને ગબ્બર રૂટ પર ચાર પેગોડાનો સમાવેશ થાય છે. સ્વચ્છતા વ્યવસ્થા અંતર્ગત રેસ્ટ શેલ્ટર ખાતે આઠ ટોયલેટ બ્લોકમાં 80 બાથ યુનિટ, 80 WC યુનિટ, 24 યુરિનલ અને 32 હેન્ડવોશ યુનિટની વ્યવસ્થા છે. હાઇવે પર 14 અને મોટા પાર્કિંગ વિસ્તારોમાં 11 ટોયલેટ બ્લોક સહિત કુલ 33 ટોયલેટ બ્લોક ઉપલબ્ધ રહેશે.
મોટી સંખ્યામાં વાહનો અંબાજી પહોંચવાના હોવાથી કુલ 2,67,265 ચો.મી. વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હડાદ રૂટ પર 17 અને દાંતા રૂટ પર 21 પાર્કિંગ વિસ્તારો ઉપલબ્ધ રહેશે. યાત્રાળુઓને તાત્કાલિક તબીબી સહાય મળી રહે તે માટે છ ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ/લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત રહેશે. સલામતી માટે 125 ફાયર એક્સ્ટિંગ્વિશર સહિત જરૂરી વિદ્યુત અને પ્રકાશ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
યાત્રાળુઓને માર્ગદર્શન અને અવરજવરમાં સરળતા રહે તે માટે આશરે 4,000 ચો.મી. વિસ્તારમાં સાઇનેજ અને હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત છ વેલકમ આર્ચ, બોક્સ ટાવર, ક્યુ મેનેજર, બેરિકેડિંગ, એગ્રો નેટ અને રેડ કાર્પેટ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રેસ્ટ શેલ્ટરોમાં મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, નોંધણી પેગોડા, પાણીના કાઉન્ટર અને માહિતી-માર્ગદર્શન માટે સાઇનેજની પણ વ્યવસ્થા છે.
મેળા વિસ્તારમાં સ્થાનિક કારીગરો અને વેપારીઓને વ્યવસાયિક તકો મળી રહે તે માટે આશરે 1,300 ચો.મી. વિસ્તારમાં ક્રાફ્ટ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં 2×3 મીટરના આશરે 216 સ્ટોલ્સનો સમાવેશ થાય છે. આમ, ભાદરવી પૂનમ મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ વિભાગોના સંકલનથી સમગ્ર વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી છે. VNI NEWS, Ambaji Bhadarvi Poonam Mela, Ambaji Mahamela 2026, Ambaji Temple, Gujarat Pilgrimage, Bhadarvi Poonam, Ambaji Yatra, Gujarat Government, Pilgrims Facilities, Ambaji Bhadarvi Poonam Mahamela 2026, Ambaji Mela, Ambaji Pilgrims Facilities, Bhadarvi Poonam Mela Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *