~Gujarat Deputy Chief Minister Harsh Sanghavi announces direct recruitment of ex-Agniveers into designated Gujarat Police uniformed posts without written and physical tests, retaining 20% reservation and a five-year age relaxation.

Surat, Gujarat, Oct 10 (VNI): ગુજરાત પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને પરીક્ષા વિના સીધી નોકરી આપવામાં આવશે અને તેમના માટે 20 ટકા અનામતનો લાભ પણ યથાવત રહેશે. સુરતની મુલાકાતે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયથી દેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોમાં સેવા આપી ચૂકેલા અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
શ્રી સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્યની પોલીસ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને પરીક્ષા વિના સીધી ભરતી દ્વારા નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા માટે યુવાનીમાં સરહદો પર દિવસ-રાત ફરજ બજાવનારા અગ્નિવીરો હવે ગુજરાત પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરશે, જેનાથી પોલીસ દળ વધુ મજબૂત બનશે. સરહદ પર વિષમ પરિસ્થિતિઓમાં ફરજ બજાવવાનો તેમનો અનુભવ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં ઉપયોગી સાબિત થશે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે અગાઉ પૂર્વ અગ્નિવીરોને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે લેખિત પરીક્ષા સહિત બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત, તેમને વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ પણ આપવામાં આવી છે.
ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ, પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. આ ભરતી માટેના નિયમો, યોગ્યતા અને શરતો અંગે રાજ્ય સરકારે સત્તાવાર ઠરાવ પણ કર્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે રાજ્ય સરકારે 17 જુલાઈ, 2026ના રોજ જાહેર કરેલા મૂળ નિયમોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતની જોગવાઈ કરી હતી. આ અનામત ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી અથવા એરફોર્સમાં અગ્નિવીર તરીકે સેવા પૂર્ણ કરી હોય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણીમાં લાયક ઠરે એવા ગુજરાતના વતની, મૂળ નિવાસી અથવા કાયમી રહેવાસી ભૂતપૂર્વ અગ્નિવીરોને લાગુ પડશે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા સુધારા હેઠળ મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5-A ઉમેરવામાં આવ્યો છે. આ જોગવાઈ મુજબ, સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ મળશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે. VNI NEWS, ગુજરાત પોલીસ ભરતી, પૂર્વ અગ્નિવીર, હર્ષ સંઘવી, ગુજરાત સરકાર, અગ્નિવીર અનામત, પોલીસ સીધી ભરતી, Gujarat Police Recruitment, Ex-Agniveers, Harsh Sanghavi,
Focus Keywords
Gujarat Police ex-Agniveer recruitment, પૂર્વ અગ્નિવીરોની સીધી ભરતી, 20% reservation for ex-Agniveers, Harsh Sanghavi announcement, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *