~Gujarat Governor Acharya Devvrat and Darshanadevi attended Gandhinagar Cultural Forum’s Navratri garba, featuring cultural performances, patriotic traditions and competition winners.
Gandhinagar, Gujarat, Oct 15 (VNI): ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમનાં પત્ની દર્શનાદેવીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના પરંપરાગત નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ નિહાળી હતી.
ચોથા નોરતે ભક્તિ, ગુજરાતી લોકસંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને ઉત્સાહના અનોખા સંગમ વચ્ચે યોજાયેલા ગરબામાં રાજ્યપાલની ગરિમામય ઉપસ્થિતિ અને દર્શનાદેવીની ખેલૈયાઓ સાથેની સહભાગિતાએ ઉત્સવની રોનકમાં વિશેષ ઉમેરો કર્યો હતો.
કાઠિયાવાડી કોટીમાં સજ્જ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત માતાજીની ભક્તિમાં તરબોળ થઈને મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયાઓનું નર્તન નિહાળ્યું હતું અને સમગ્ર આયોજન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બીજી તરફ, દર્શનાદેવીએ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને પરંપરાગત ગુજરાતી લોકસંસ્કૃતિના રંગમાં રંગાઈ ઉત્સવનો આનંદ માણ્યો હતો. શિક્ષણ, સંસ્કાર, સમાજસુધારણા અને રાષ્ટ્રનિર્માણનાં કાર્યોમાં જીવન સમર્પિત કરનાર રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિના પ્રસાર અને પ્રચાર માટે પણ સતત કાર્યરત છે. તેમની ઉપસ્થિતિએ સાંસ્કૃતિક મહોત્સવની ગરિમામાં વધારો કર્યો હતો.
ચોથા નોરતે ગાંધીનગર ઉત્તરનાં ધારાસભ્ય રીટાબેન પટેલે માતાજીની આરતી ઉતારીને કલ્ચરલ ફોરમના ગરબાનો મંગલમય પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત ખેલૈયાઓ અને ફોરમના અગ્રણીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી અને ગૂગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ ગરબાનો આનંદ માણવા અને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીના મુખ્ય પ્રાયોજક એ. બી. જ્વેલ્સ, અમદાવાદના મનોજભાઈ સોની અને જયશ્રીબેન સોનીએ પણ ગરબાની રમઝટ નિહાળી હતી. તેમણે પરંપરાગત ગરબાની આગવી ઓળખ, સુંદર આયોજન અને ખેલૈયાઓના ઉત્સાહની પ્રશંસા કરી હતી.
ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા નયના શર્માના પાવરપેક્ડ પર્ફોર્મન્સે ચોથા નોરતાની રાત્રિને સંગીતમય અને ઊર્જાસભર બનાવી દીધી હતી. તેમની અદભુત ગાયકી, પ્રભાવશાળી સ્ટેજ પ્રેઝન્સ અને અસાધારણ ઊર્જાએ ગરબા પ્રાંગણમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો. સંગીતના તાલે રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તેમના તાલબદ્ધ નર્તન અને સંગીતના સૂરોએ સમગ્ર વાતાવરણને નવરાત્રીના રંગે રંગી દીધું હતું.
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની એક વિશિષ્ટ પરંપરા મધરાતે ગરબાના સમાપન સમયે જોવા મળે છે. માતાજીની આરાધનાના ગરબા પૂર્ણ થયા બાદ તમામ ખેલૈયાઓ સાવધાનની મુદ્રામાં ઊભા રહીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરે છે. ચોથા નોરતે પણ આ પરંપરાએ ઉપસ્થિત સૌને રોમાંચિત કર્યા હતા. માતાજીની આરાધના સાથે રાષ્ટ્રની આરાધનાનો આ અનોખો સમન્વય ભક્તિ, શિસ્ત અને દેશભક્તિની ભાવનાને એકસાથે ઉજાગર કરે છે. રાષ્ટ્રગીતના સામૂહિક ગાન સાથે ગરબાનું સમાપન કલ્ચરલ ફોરમના આયોજનને આગવી ઓળખ આપે છે.
નવરાત્રીના ચોથા નોરતે વિવિધ સ્પર્ધાઓમાં ખેલૈયાઓએ પોતાની પ્રતિભા, નૃત્યકૌશલ્ય અને આકર્ષક પોશાકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે નિષ્ઠા જોશી અને બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે રાહુલ ભાલીયા વિજેતા બન્યાં હતાં. બેસ્ટ પેર કેટેગરીમાં કરણ પુરબિયા અને સૂરજ ડાભીની જોડીએ વિજય મેળવ્યો હતો. બેસ્ટ ક્વીન તરીકે હેતલ ભટ્ટી અને બેસ્ટ કિંગ તરીકે અર્પણ પટેલ વિજેતા જાહેર થયાં હતાં. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સ્તુતિ જોશી અને બેસ્ટ ડ્રેસ પ્રિન્સ તરીકે નરેન્દ્રસિંહ બિહોલા વિજેતા બન્યાં હતાં.
ટીનેજર કેટેગરીમાં ગ્રેસી ડોડીયા બેસ્ટ ટીનેજર ગર્લ અને ક્રિશ સાવલિયા બેસ્ટ ટીનેજર બોય બન્યાં હતાં. બેસ્ટ કીડ કેટેગરીમાં શ્રેયા ગોહિલ બેસ્ટ કીડ ગર્લ અને ખુશીન ઠક્કર બેસ્ટ કીડ બોય તરીકે વિજેતા થયાં હતાં. બેસ્ટ ચાઇલ્ડ કેટેગરીમાં નાયરા દવે બેસ્ટ ચાઇલ્ડ ગર્લ અને હયાન સોલંકી બેસ્ટ ચાઇલ્ડ બોય તરીકે વિજેતા જાહેર થયાં હતાં. તમામ વિજેતા ખેલૈયાઓને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
માતાજીની આરાધનાથી શરૂ થઈને રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે પૂર્ણ થતી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબાની પરંપરા ભક્તિ, સંસ્કાર, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતી લોકસંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત ફોરમનો આ નવરાત્રી મહોત્સવ પરંપરાને જીવંત રાખવાની સાથે નવી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરી રહ્યો છે. VNI NEWS, આચાર્ય દેવવ્રત, ગાંધીનગર કલ્ચરલ ફોરમ, નવરાત્રી ગરબા, દર્શનાદેવી, રીટાબેન પટેલ, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, નયના શર્મા, ગુજરાત નવરાત્રી મહોત્સવ, આચાર્ય દેવવ્રત કલ્ચરલના ગરબા, ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રી, ગાંધીનગર ગરબા મહોત્સવ, ગુજરાત રાજ્યપાલ નવરાત્રી ગરબા, VNINews, VNINews.com
