~ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ વ્યાખ્યાનમાં ડિજિટલ શિક્ષણ, AI, Frugal AI, આજીવન શિક્ષણ અને સર્વસમાવેશક શિક્ષણના ભવિષ્ય અંગે ચર્ચા થઈ.
Ahmedabad, Gujarat, Oct 28 (VNI) : ડિજિટલ ટેક્નૉલૉજી, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને બદલાતી વૈશ્વિક જરૂરિયાતોના યુગમાં શિક્ષણને વધુ સુલભ, લવચીક અને સર્વસમાવેશક બનાવવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા ‘Reimagining Open and Digital Learning: Technology, Innovation and Inclusion for the Next Generation’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં ઓપન અને ડિજિટલ શિક્ષણના ભવિષ્ય, કૌશલ્યવિકાસ, આજીવન શિક્ષણ, જવાબદાર ટેક્નૉલૉજી ઉપયોગ અને સર્વસમાવેશક શિક્ષણવ્યવસ્થાના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કૉમનવેલ્થ ઑફ લર્નિંગ, વાનકુવર, કૅનેડા ખાતે પ્રેસિડેન્ટના સ્પેશ્યલ ઍડવાઇઝર તરીકે કાર્યરત ડૉ. વેંકટરામન બાલાજીએ મુખ્ય વક્તા તરીકે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાય, ડૉ. વેંકટરામન બાલાજી અને એકેડેમિક નિયામક ડૉ. મહેશપ્રસાદ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયે ઓપન યુનિવર્સિટીઓને વધુ સર્વસમાવેશક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં રૅન્કિંગ, ઍક્રેડિટેશન અને ગુણવત્તાના નવા માપદંડોનું મહત્ત્વ વધી રહ્યું છે. પરંપરાગત યુનિવર્સિટીઓ પણ ઓપન ઍન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) તથા ઑનલાઇન શિક્ષણ તરફ આગળ વધી રહી છે, ત્યારે ઓપન યુનિવર્સિટીઓએ પોતાની વિશિષ્ટતાઓને વધુ મજબૂત બનાવી સતત નવીનતા અપનાવવી જરૂરી છે. અગાઉ ઓપન ઍન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મુખ્યત્વે અંતરશિક્ષણ પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે ડિજિટલ લર્નિંગ અને ઑનલાઇન શિક્ષણ નવી શૈક્ષણિક તકો ઊભી કરી રહ્યાં છે. આ પરિવર્તનને અનુરૂપ શૈક્ષણિક ગુણવત્તા અને કૌશલ્યવિકાસ પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે.
મુખ્ય વક્તા ડૉ. વેંકટરામન બાલાજીએ યુવાનોને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવા ક્ષમતાનિર્માણ અને આજીવન શિક્ષણના મહત્ત્વને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આબોહવા પરિવર્તન અને વૈશ્વિક અસ્થિરતા જેવી પરિસ્થિતિઓમાં યુવાનોને સક્ષમ બનાવવા ગ્રીન અને બ્લુ સ્કિલ્સ સહિતનાં નવાં કૌશલ્યો વિકસાવવાં જરૂરી છે. શિક્ષણ માત્ર જીવનના એક તબક્કા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ વ્યક્તિની બદલાતી જરૂરિયાતો અનુસાર પુનઃશિક્ષણ અને કૌશલ્યવર્ધન માટે સતત તકો ઉપલબ્ધ કરાવવી જોઈએ.
ડૉ. બાલાજીએ ‘Frugal AI’ એટલે કે ઓછા ખર્ચે ઉપયોગી બને તેવી કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વ્યવસ્થાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેક્નૉલૉજી આધારિત શિક્ષણનું આયોજન કરતી વખતે દરેક શીખનાર પાસે ઇન્ટરનેટ અને આધુનિક ડિજિટલ સાધનો ઉપલબ્ધ હોય એવું માની શકાય નહીં. ખાસ કરીને છેવાડાના વિસ્તારો અને મર્યાદિત ડિજિટલ સુવિધાઓ ધરાવતા સમુદાયો સુધી શિક્ષણ પહોંચાડવા ઓછા ખર્ચે વિકસાવી શકાય તેવા AI આધારિત ઉકેલો અને ઑફલાઇન કાર્ય કરી શકે તેવી શૈક્ષણિક વ્યવસ્થાઓ પર ધ્યાન આપવું જોઈએ. આવા ઉકેલો ડિજિટલ અંતર ઘટાડવા અને શિક્ષણને વધુ સુલભ તથા સર્વસમાવેશક બનાવવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના વધતા પ્રભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે, આધુનિક ટેક્નૉલૉજીના વિકાસને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકનની પરંપરાગત પદ્ધતિઓનું પુનઃમૂલ્યાંકન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓની સમજ, સર્જનાત્મકતા અને વાસ્તવિક જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થાય તે માટે નવીન પદ્ધતિઓ અપનાવવી પડશે. જોકે, ટેક્નૉલૉજીનો ઉપયોગ વધે તેમ છતાં શિક્ષકની ભૂમિકા, માર્ગદર્શન અને દેખરેખ શિક્ષણપ્રક્રિયાના કેન્દ્રમાં રહેવા જોઈએ. ટેક્નૉલૉજી શિક્ષકનું સ્થાન લેવાને બદલે શિક્ષણને વધુ અસરકારક બનાવવાનું સાધન બનવી જોઈએ.
તેમણે માઇક્રો-ક્રેડેન્શ્યલ્સ (Micro-credentials) જેવી લવચીક શૈક્ષણિક વ્યવસ્થાઓના મહત્ત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. આવી વ્યવસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાત, રસ અને અનુકૂળતા અનુસાર નવાં કૌશલ્યો પ્રાપ્ત કરી શકે છે. તેનાથી શિક્ષણ સાથે પુનઃજોડાણ, સતત કૌશલ્યવિકાસ અને બદલાતી રોજગારલક્ષી જરૂરિયાતોને અનુરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવાની તકો વિસ્તૃત થઈ શકે છે.
વ્યાખ્યાન બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત શ્રોતાઓએ શિક્ષણ, ડિજિટલ ટેક્નૉલૉજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. ડૉ. વેંકટરામન બાલાજીએ પ્રશ્નોના સચોટ અને મુદ્દાસર જવાબો આપીને શ્રોતાઓ સાથે વિચારસભર સંવાદ સાધ્યો હતો.
આ વિશેષ વ્યાખ્યાનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના નિયામકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં ડૉ. રીમા ઉપાધ્યાય અને ડૉ. આદિત્ય જોષીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. VNI NEWS, Dr Babasaheb Ambedkar Open University, Reimagining Open and Digital Learning, Dr Venkatraman Balaji, Digital Education, Artificial Intelligence in Education, Open and Distance Learning, Frugal AI, Micro-credentials, Inclusive Education, Ahmedabad, Dr Babasaheb Ambedkar Open University, BAOU Ahmedabad, Venkatraman Balaji, Ami Upadhyay, Digital Learning, Open Education, Artificial Intelligence, Frugal AI, Green Skills, Blue Skills, Micro-credentials, Inclusive Education, Higher Education, Ahmedabad Gujarat VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *