~Gujarat launches premium AC Vista Dome Coach bus service at Statue of Unity, offering panoramic views, modern amenities and enhanced tourist experiences.
Narmada, Gujarat, Nov 02 (VNI) : ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સોમવારથી અત્યાધુનિક ‘એસી વિસ્ટા ડોમ કોચ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ સંયુક્ત પહેલ હાથ ધરવામાં આવી છે. ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ પાંચ વિશિષ્ટ વિસ્ટા ડોમ કોચ બસો તૈયાર કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ વિસ્ટા ડોમ બસનું લોકાર્પણ કરી તેની સફરનો અનુભવ પણ કર્યો હતો.
આધુનિક બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ ડોમ ડિઝાઇન આપવામાં આવી છે, જેના કારણે પ્રવાસીઓ આરામદાયક એસી કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના નયનરમ્ય પ્રાકૃતિક દૃશ્યોનો આનંદ માણી શકશે. બસમાં 23 રિવોલ્વિંગ અને સંપૂર્ણપણે એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટો સાથે ડ્રાઇવર માટે એક બેઠકની વ્યવસ્થા છે. પ્રવાસીઓની સુવિધા માટે પ્રીમિયમ LED સ્માર્ટ ટીવી, CCTV કેમેરા, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસમાં અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ તેમજ ઇમરજન્સી હેમર સાથે ટફન ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસની બોડી પર ગુજરાતનાં પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, અડાલજની વાવ, ધોરડો રણ, તરણેતરનો મેળો અને વિજય વિલાસ પેલેસના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવવામાં આવ્યા છે.
એક એસી વિસ્ટા ડોમ કોચ બસની કિંમત રૂ. 2.19 કરોડ છે. કુલ પાંચ બસોમાંથી હાલ બે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીની ત્રણ બસો આગામી બે મહિનામાં શરૂ કરવાનું આયોજન છે. પ્રવાસીઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી આ વિશેષ બસ સેવાનો લાભ લઈ શકશે. આગામી સમયમાં ગુજરાતનાં અન્ય પ્રવાસન સ્થળો અને હેરિટેજ રૂટ્સ પર પણ તબક્કાવાર આ પ્રકારની બસ સેવા શરૂ કરવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
આ પ્રીમિયમ બસ સેવા શરૂ થવાથી ગુજરાતના નાગરિકો તેમજ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક વારસાને અનોખી રીતે માણવાની તક મળશે. ગુજરાતના પ્રવાસન પરિવહન ક્ષેત્રે આ પહેલ સીમાચિહ્નરૂપ બની રહેશે અને રાજ્યના ટુરિઝમ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. VNI NEWS, Statue of Unity Vista Dome Bus, AC Vista Dome Coach, Gujarat Tourism, GSRTC Vista Dome Bus, Statue of Unity Bus Service, Statue of Unity, Vista Dome Bus, AC Coach Bus, Gujarat Tourism, GSRTC, Harsh Sanghavi, Narendra Modi, Narmada Tourism, Gujarat Heritage Tourism, Premium Bus Service, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *