~Gandhinagar Municipal Corporation inspected 41 food businesses, collected 62 food samples, issued six improvement notices and suspended one registration during its festive food safety drive.
Gandhinagar, Gujarat, Nov 02 (VNI) : ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખાદ્યચીજો મળી રહે તે હેતુથી ઓક્ટોબર માસમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ૪૧ પેઢીઓની તપાસ કરીને ખાદ્યચીજોના ૬૨ નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા હતા. તપાસમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન બદલ છ પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે, જ્યારે એક પેઢીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬’ હેઠળ હાથ ધરાયેલી આ ઝુંબેશમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈ, ફરસાણ, ઘી અને ખાદ્યતેલ સહિતની ખાદ્યચીજોની પેઢીઓનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. લેવામાં આવેલા ૬૨ નમૂનાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન કાયદાની શિડ્યુલ-૪ હેઠળની સેનિટેશન અને હાઈજીનિક જોગવાઈઓમાં ક્ષતિઓ જણાતાં છ પેઢીઓને સુધારણા નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત, એક પેઢીમાં સ્વચ્છતાની સ્થિતિ અત્યંત બિનઆરોગ્યપ્રદ જણાતાં તેનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. નોટિસ મેળવનાર તથા સસ્પેન્ડ થયેલી પેઢીઓ દ્વારા નિયત સમયમાં સંતોષકારક સુધારા નહીં કરવામાં આવે તો તેમના લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. તહેવારો દરમિયાન ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન મારફતે અંદાજિત ૧૭૦ નાના સ્ટોલ્સ અને પેઢીઓની મુલાકાત લઈને ૧૯૧ ખાદ્યચીજોનું સ્થળ પર પ્રાથમિક પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ખાદ્યચીજો બનાવતા અને પીરસતા કર્મચારીઓએ કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ પહેરવા, તૈયાર ખોરાકમાં અખાદ્ય રંગોનો ઉપયોગ ટાળવો, મીઠાઈમાં માત્ર માન્ય ફૂડ કલરનો નિયત માત્રામાં ઉપયોગ કરવો તથા ખાદ્યચીજોના પેકિંગ કે પીરસવામાં ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવો તેવી તાકીદ કરવામાં આવી છે.
ખાદ્યચીજોને ખુલ્લામાં ન રાખવા અને ઝડપથી બગડી શકે તેવી વસ્તુઓનો સ્વચ્છ જગ્યાએ યોગ્ય તાપમાને સંગ્રહ કરવા પણ અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તપાસ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. VNI NEWS, Gandhinagar Food Safety Inspection, Food Safety Drive Gujarat, Gandhinagar Municipal Corporation, Food Samples Testing, Food Hygiene, Gandhinagar, Gujarat, Food Safety, Gandhinagar Municipal Corporation, Food Inspection, Food Samples, Food Hygiene, Food Safety and Standards Act, Diwali, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *