~અમદાવાદમાં WeTheYuva અને વાર્તાલીપ દ્વારા આયોજિત ‘એજ્યુકેટર્સ ચેમ્પિયન કોન્ટેસ્ટ’માં ગુજરાતના પાંચ પ્રેરણાદાયી શિક્ષકોને ચેમ્પિયન ટીચર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા.

Ahmedabad, Gujarat, July 19 (VNI): યુવાઓમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને શિક્ષણ ક્ષેત્રમાં યુથ લીડરશીપને પ્રોત્સાહન આપવાના હેતુથી WeTheYuva અને વાર્તાલીપના સહયોગથી આયોજિત ‘એજ્યુકેટર્સ ચેમ્પિયન કોન્ટેસ્ટ’ સફળતાપૂર્વક યોજાઈ હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રેરણાદાયી શિક્ષકોના નામાંકનના આધારે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા પાંચ શિક્ષકોને ‘ચેમ્પિયન ટીચર્સ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા.
કવિ મનીષભાઈ પાઠક ‘શ્વેત’ના જણાવ્યા અનુસાર નિષ્ણાત જ્યુરી પેનલ દ્વારા વિવિધ માપદંડોના આધારે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન તેજલ ડાભીએ કર્યું હતું, જ્યારે WeTheYuva તરફથી વિજયભાઈ ભારતીયએ શિક્ષણમાં યુથ લીડરશીપના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે 9 રાજ્યોમાં 600થી વધુ યુવાનો, વાલીઓ અને શિક્ષકો પર થયેલા અભ્યાસના મહત્વપૂર્ણ તારણો પણ રજૂ કર્યા હતા.
સન્માનિત પાંચ શિક્ષકોમાં મહેસાણાના ખોડાભાઈ બળદેવભાઈ પટેલ ‘ધર્મેશ’, કોટડા ભાખર પ્રાથમિક શાળાના ડૉ. ભાવેશ એન. પંડ્યા, રાજકોટના નિકુંજકુમાર સવાણી, પીએમ શ્રી નવા નદીસર પ્રાથમિક શાળાના શાંતિલાલ રણછોડભાઈ માલીવાડ તેમજ શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો માટે જાણીતા બજરંગ લાલનો સમાવેશ થયો હતો. તમામ શિક્ષકોને વર્ગખંડમાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ માટે વિશેષ ટૂલકિટ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન “આજના ભારતમાં શિક્ષણનો અસલી મકસદ શું હોવો જોઈએ?” અને “યુથ લીડરશીપને અભ્યાસક્રમનો ભાગ કેવી રીતે બનાવવો?” જેવા વિષયો પર વિશેષ પેનલ ચર્ચા યોજાઈ હતી. શિક્ષકો અને યુવાનોના જૂથોમાં યોજાયેલી ચર્ચાઓમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ લોકશાહી, વિશ્વાસપાત્ર અને અસરકારક બનાવવા માટે અનેક વ્યવહારુ સૂચનો રજૂ કરવામાં આવ્યા. સમાપન પ્રસંગે તમામ ઉપસ્થિતોએ શિક્ષણ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે વ્યક્તિગત સંકલ્પ પણ લીધો. VNI NEWS, WeTheYuva, Vartalip, Educators Champion Contest, Gujarat Teachers, Ahmedabad, Education, Youth Leadership, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *