~અમદાવાદમાં ઘરવિહોણા લોકો માટે AMCની નવી રેસ્ક્યુ પહેલ શરૂ, 155303 ટોલ-ફ્રી નંબર પર જાણ કરી શકાય. શહેરમાં 35 આશ્રયગૃહો 24×7 કાર્યરત છે.

Ahmedabad, Gujarat, Aug 19 (VNI): અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકો માટે નવી રેસ્ક્યુ પહેલ શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળો, ફૂટપાથ, પુલ નીચે, ધાર્મિક સ્થળો, બસ તથા રેલવે સ્ટેશન અને બાગ-બગીચા જેવા સ્થળોએ ખુલ્લામાં રહેવા મજબૂર લોકોને સુરક્ષિત અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ આશ્રયગૃહ સુધી પહોંચાડવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે.
આ અંતર્ગત કોઈપણ નાગરિકને જાહેર સ્થળે ઘરવિહોણી વ્યક્તિ જોવા મળે તો AMCના જાહેર ફરિયાદ ટોલ-ફ્રી નંબર 155303 પર જાણ કરી શકાશે. માહિતી મળ્યા બાદ UCD વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારી સ્થળ પર પહોંચી વ્યક્તિનું કાઉન્સેલિંગ કરશે અને તેને નજીકના આશ્રયગૃહમાં સુરક્ષિત રીતે ખસેડશે. આ માટે ઓન-વ્હીલ વિશેષ રેસ્ક્યુ વાહન, જરૂરી સ્ટાફ અને બાઉન્સર સાથેની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ અમદાવાદ શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં કુલ 35 આશ્રયગૃહો 24×7 કાર્યરત છે, જેમાં કુલ 4,315 વ્યક્તિઓની ક્ષમતા છે. અહીં કોઈપણ ભેદભાવ વિના વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે. આશ્રયગૃહોમાં ટુ-ટાયર બેડ, ધાબળા, ઓશિકા, પીવાનું પાણી, ગરમ પાણી માટે ગીઝર, રસોઈ અને ભોજન માટેના સાધનો, ગેસ જોડાણ તથા ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આશ્રયગૃહોને નજીકના આંગણવાડી કેન્દ્રો અને સરકારી શાળાઓ સાથે પણ જોડવામાં આવ્યા છે, જેથી આશ્રિતોના બાળકોને જરૂરી શૈક્ષણિક સેવાઓ મળી શકે. જરૂરિયાતમંદ લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે. ઉપરાંત, આશ્રયગૃહમાં રહેતા ઘરવિહોણા લોકોને AMC દ્વારા દરરોજ રાત્રે ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે.
AMCએ નાગરિકોને અપીલ કરી છે કે જાહેર સ્થળે કોઈ ઘરવિહોણી વ્યક્તિ આશ્રય લેતી જોવા મળે તો 155303 પર જાણ કરી તેને સુરક્ષિત અને સન્માનજનક રીતે આશ્રયગૃહ સુધી પહોંચાડવામાં સહયોગ આપે. VNI NEWS, Ahmedabad Homeless Rescue, AMC Rescue Initiative, Homeless Shelter Ahmedabad, AMC 155303 Helpline, Ahmedabad, AMC, Homeless Rescue, Shelter Homes, UCD Department, 155303 Helpline, Gujarat, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *