~અમદાવાદમાં WAPS-2026નું ઑફિશિયલ એન્થેમ, મૅસ્કોટ ‘લક્ષ્યમ્’ અને જર્સીનું અનાવરણ. 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન 19 દેશોના પેરા આર્ચર્સ ભાગ લેશે.
Ahmedabad, Gujarat, Sep 03 (VNI): અમદાવાદમાં ગુરુવારે ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નું ઑફિશિયલ એન્થેમ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્પર્ધાના સત્તાવાર મૅસ્કોટ ‘લક્ષ્યમ્’ તથા સત્તાવાર જર્સીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં પ્રથમવાર યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 5થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. તેમાં 19 દેશોના આશરે 108 તીરંદાજો સહિત કુલ 200 જેટલા એથ્લિટ્સ, કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે.
આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે આવા આંતરરાષ્ટ્રીય આયોજનોથી દેશમાં છુપાયેલી રમત પ્રતિભાઓને બહાર લાવવા માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. તેમણે જણાવ્યું કે NTPC જેવા રાષ્ટ્રીય પ્રાયોજકો પણ રમતના વિકાસમાં મહત્વપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. આ આયોજનથી ભારતીય ખેલાડીઓનું મનોબળ વધશે અને વૈશ્વિક સ્તરે ભારતની રમતગમત ક્ષમતાનું પ્રદર્શન થશે.
મુંડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રેરણાથી ભારતમાં તીરંદાજીમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં વર્લ્ડ આર્ચરી પેરા ચેમ્પિયનશિપના આયોજન માટે રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. AAIના મહાસચિવ વીરેન્દ્ર સચદેવાએ રાજ્યમાં રમતગમત ક્ષેત્રે થઈ રહેલા માળખાકીય વિકાસની પ્રશંસા કરી અને આગામી વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશિપ તેમજ 2028ની એશિયન ચેમ્પિયનશિપ ગુજરાતમાં યોજાવાની વિગતો આપી હતી.
આ સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W-1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ શ્રેણીમાં વિશ્વના અગ્રણી પેરા આર્ચર્સ વચ્ચે મુકાબલો થશે. ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિન્દર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક પદક વિજેતા શીતલ દેવી, અર્જુન પુરસ્કાર વિજેતા રાકેશ કુમાર અને શ્યામ સુંદર સ્વામી સહિતના ખેલાડીઓ ભાગ લેશે.
ભારત ઉપરાંત ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઈરાક અને રશિયન ફેડરેશનના ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરશે. 5થી 7 સપ્ટેમ્બર દરમિયાન ક્વોલિફિકેશન રાઉન્ડ્સ અને 8 તથા 9 સપ્ટેમ્બરે સાબરમતી રિવરફ્રન્ટ પ્લાઝા ખાતે ફાઇનલ તથા મેડલ સેરેમની યોજાશે. આયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ આયોજન ભારતની આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સ યોજવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 2036ના ઓલિમ્પિક્સની યજમાનીના ભારતના સ્વપ્નને વેગ આપશે.
આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના ખજાનચી જોરિસ પાઉલોસ, વર્લ્ડ આર્ચરીના ટેકનિકલ પ્રતિનિધિ, આંતરરાષ્ટ્રીય નિર્ણાયક ગઝાલેહ રસૌલી, તીરંદાજી પ્રીમિયર લીગના પદાધિકારીઓ ઉપરાંત ઓલિમ્પિક તીરંદાજ હરવિન્દર સિંહ અને આંતરરાષ્ટ્રીય મહિલા તીરંદાજ શીતલ દેવી ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, WAPS 2026 Ahmedabad, World Archery Para Series, Lakshyam Mascot, Ahmedabad Archery Championship, Para Archery India
TaWAPS 2026, World Archery Para Series, Archery, Para Archery, Ahmedabad, Lakshyam, Archery Association of India, Gujarat Sports, VNINews, VNINews
