~Amit Shah inaugurates and lays foundation stones for development projects worth over Rs 1,400 crore in Ahmedabad, including infrastructure works and a drug-free Gujarat initiative.
Ahmedabad, Gujarat, Nov 09 (VNI) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિતભાઈ શાહના હસ્તે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. ૧,૪૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસ અને જનકલ્યાણની કામગીરી સતત આગળ વધી રહી છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અંદાજે રૂ. ૨૫ હજાર કરોડનાં વિકાસકાર્યો પૂર્ણ થયાં છે અથવા પ્રગતિ હેઠળ છે.
શ્રી શાહે રામાપીરના ટેકરા સાથે જોડાયેલી પોતાની જાહેરજીવનની શરૂઆતની સ્મૃતિઓ વાગોળતાં જણાવ્યું હતું કે, એક સમયે આ વિસ્તારમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઝૂંપડપટ્ટીની સામે ઘરનું ઘર’ યોજનાના પરિણામે આજે આ વિસ્તારના અંદાજે ૫૫ હજાર લોકોને આધુનિક સુવિધાઓ ધરાવતાં આવાસો ઉપલબ્ધ થવા જઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રની શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. બોપલ અને ઘુમામાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પ હાઉસ તેમજ જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કર્ણાવતી ક્લબ જંક્શનથી સરખેજ સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ પણ આ વિકાસકાર્યોમાં મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.
આ પ્રસંગે અમિતભાઈ શાહે ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવવા માટે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ડ્રગ્સના વેચાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદ માટે ‘૧૦૩૩’ ટોલ ફ્રી હેલ્પલાઇન આગામી ૧ ડિસેમ્બર, ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. નાગરિકો આ નંબર પર ફરિયાદ નોંધાવી શકશે અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સના નેટવર્ક સુધી ત્રણ કલાકમાં પહોંચી શકાય તેવી આધુનિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. દેશના યુવાનો અને આવનારી પેઢીને નશાના દૂષણથી બચાવવા સામૂહિક પ્રયાસો જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત ૩૧ ડિસેમ્બર, ૨૦૨૮ સુધીમાં નશામુક્ત બનશે અને સૌને ડ્રગ ફ્રી અમદાવાદ, ડ્રગ ફ્રી ગુજરાત તથા ડ્રગ ફ્રી ભારતના સંકલ્પમાં જોડાવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસને પર્વ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાનું આજનો કાર્યક્રમ ઉત્તમ ઉદાહરણ છે. દિવાળીના પર્વ સાથે વિકાસોત્સવ પણ ઉજવાઈ રહ્યો છે અને રૂ. ૧,૪૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ નાગરિકોને મળી છે. તેમણે કર્ણાવતી ક્લબ જંક્શનથી સરખેજ ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં આવતાં નાગરિકોની લાંબા સમયની રાહ પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું. શ્રી પટેલે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ઝીરો ટોલરન્સ નીતિ સાથે નશામુક્ત ભારતના નિર્માણ માટે સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, દર્શનાબેન, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા અને હસમુખભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યો, ભાજપના પ્રદેશ તથા સ્થાનિક પદાધિકારીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Amit Shah Ahmedabad Development Projects, Ahmedabad Municipal Corporation Projects, Rs 1400 Crore Development Works, Drug Free Gujarat, Ahmedabad Flyover, Gujarat Development, Amit Shah, Ahmedabad Development, AMC, Gujarat Government, Bhupendra Patel, Gandhinagar Lok Sabha, Drug Free Gujarat, Ahmedabad Infrastructure, Sarkhej Flyover, VNINews, VNINews.com
