~અમદાવાદમાં પદ્મશ્રી ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ‘પવન રૂપેરી’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું, જેમાં તેમના જીવન, કાવ્યસર્જન અને બાળસાહિત્ય પર વિશેષ ચર્ચા થઈ.
Ahmedabad, Gujarat, Aug 03 (VNI): પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્યસર્જક ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠની દ્વિતીય પુણ્યતિથિના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે ‘પવન રૂપેરી’ શીર્ષક હેઠળ વિશેષ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આશ્રમ રોડ સ્થિત મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કવિ હરદ્વાર ગોસ્વામીએ ચંદ્રકાન્ત શેઠના જીવન અને સાહિત્યસેવા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે શેઠસાહેબે શબ્દ પ્રત્યે અવિચળ નિષ્ઠા જાળવી હતી અને કળાત્મક અભિવ્યક્તિ વિના ક્યારેય લખવાનું પસંદ કર્યું નહોતું. તેમણે ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત વિશ્વકોશમાં આપેલી સેવાઓને પણ યાદ કરી. સાહિત્યકાર શ્રદ્ધા ત્રિવેદીએ શેઠસાહેબના બાળસાહિત્ય, નિબંધો અને વિવેચન ક્ષેત્રેના યોગદાનને ઉજાગર કરતાં જણાવ્યું કે તેઓ તેમના ગુરુ સમાન હતા અને બાળસાહિત્યમાં તેમની સર્જનશક્તિ અનોખી હતી.
કવિ દલપત પઢિયારએ પોતાના વ્યાખ્યાનમાં ચંદ્રકાન્ત શેઠને આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ તરીકે બિરદાવ્યા. તેમણે જણાવ્યું કે શેઠસાહેબના કાવ્યોમાં શબ્દનિષ્ઠા, આત્મસાધના અને અધ્યાત્મનો સુંદર સમન્વય જોવા મળે છે. નિરંજન ભગતના શબ્દો ટાંકતાં તેમણે કહ્યું કે “કવિની સંજ્ઞા શોભે એવા કવિ ચંદ્રકાન્ત શેઠ હતા.”
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ “મનીષ પાઠક ‘શ્વેત” એ કર્યું હતું. પ્રસંગે ચંદ્રકાન્ત શેઠના પરિવારજનો, સાહિત્યકારો અને સાહિત્યરસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સૌ માટે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. VNI NEWS, Chandrakant Trikamlal Sheth, Pavan Ruperi, Gujarati Literature, Gujarat Sahitya Academy, Ahmedabad, Chandrakant Sheth, Literary Lecture, Padma Shri, Hardwar Goswami, Shraddha Trivedi, Dalpat Padhiyar, VNINews, VNINews.com
