~Gujarat FDCA takes strict action against illegal storage and sale of medicines in Vadodara and Surat, seizing drugs worth over Rs 42.60 lakh.
Gandhinagar, Gujarat, Oct 08 (VNI): ગુજરાતમાં નશાકારક દવાઓના દુરુપયોગને અટકાવવા તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ના કમિશનરના માર્ગદર્શન હેઠળ વડોદરા અને સુરત જિલ્લામાં ગેરકાયદેસર દવાઓના સંગ્રહ અને વેચાણ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કરજણ અને સુરત ખાતે કુલ ચાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તથા અંદાજિત રૂ. 42.60 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર NCB તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCA તથા સંબંધિત તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી મેસર્સ ચામુંડા ફાર્મા પર સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન NDPS Act હેઠળ આવતી ‘ANREX (Codeine)’ કફ સિરપની 13,938 બોટલો, જેની અંદાજિત કિંમત રૂ. 27.80 લાખ છે, તેમજ ‘TRAMADOL’ની 12,240 ટેબ્લેટ્સ, જેની અંદાજિત કિંમત આશરે રૂ. 50 હજાર છે, મળી આવી હતી. ગંભીર કાયદાકીય ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને પેઢીને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી. ઉપરાંત, Drugs and Cosmetics Act હેઠળ પેઢીના વેચાણ પરવાના 20-B અને 21-B તા. 1 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
ચામુંડા ફાર્મા સાથે સંકળાયેલી કરજણ સ્થિત મેસર્સ માજીસા મેડિકલ સ્ટોર્સ ખાતે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન NDPS ઘટક ધરાવતી ‘LOMOTIL’ ટેબ્લેટ્સનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરી તેમજ દવાઓના સંગ્રહ માટે જરૂરી નિયત તાપમાન જાળવતું ફ્રિજ બંધ હાલતમાં હોવા જેવી ગંભીર ક્ષતિઓ પણ સામે આવી હતી. આ ઉલ્લંઘનો બદલ પેઢીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના છૂટક દવાના વેચાણના પરવાના તા. 5 ઓક્ટોબર, 2026થી કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.
ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે Sildenafil Citrate જેવી દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે પણ કડક કાર્યવાહી કરવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સૂચના આપી હતી. આ અંતર્ગત તા. 1 ઓક્ટોબર, 2026ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ડર્મેટીક્સ ઇન્ડિયા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં પેઢી પાસે કોઈ માન્ય ડ્રગ લાઇસન્સ ન હોવા છતાં પોતાની વેબસાઇટ મારફતે દવાઓનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી Sildenafil, Minoxidil અને Ketoconazole સહિત રૂ. 11.26 લાખથી વધુ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા દવાઓના નમૂનાઓ સરકારી લેબોરેટરી, FDL વડોદરા ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મેસર્સ ક્યારા ઇન્ટરનેશનલ ખાતે તા. 3 ઓક્ટોબર, 2026ના રોજ કરવામાં આવેલી તપાસમાં ઓનલાઇન દવાના ગેરકાયદેસર વેચાણ અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. તપાસ દરમિયાન ‘Meesho’ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘Sildenafil Ayurvedic’ના નામે એલોપેથિક દવાઓના વેચાણ અંગે ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા. તપાસ મુજબ, છેલ્લા એક મહિનામાં આશરે રૂ. 3.60 લાખની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જ વ્યક્તિ સામે અગાઉ પણ પરવાના વિના દવાનો સંગ્રહ કરવા બદલ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આથી સમગ્ર મામલાને પુનરાવર્તિત ઉલ્લંઘન તરીકે ધ્યાનમાં લઈને Drugs and Cosmetics Act, 1940 હેઠળ વધુ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ કે પોતાની વેબસાઇટ મારફતે ‘આયુર્વેદિક’ નામે Sildenafil જેવી એલોપેથિક દવાઓ અથવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી દવાઓનું વેચાણ કરવું ગંભીર કાયદાકીય ઉલ્લંઘન છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આગામી સમયમાં સાયબર સેલ અને FDCAની સંયુક્ત ટીમ દ્વારા સતત ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વડોદરા અને સુરત ખાતે FDCA, ગુજરાત પોલીસ અને NCB દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર દવાના વેપાર સામેની સરકારની કડક નીતિ દર્શાવે છે. તેમણે સંબંધિત તંત્રને માત્ર કાર્યવાહી પૂરતી મર્યાદિત ન રહેતા ‘માઇક્રો પ્લાનિંગ’ દ્વારા કોડીનયુક્ત કફ સિરપ તથા અન્ય દવાઓના યુવાધન દ્વારા થતા દુરુપયોગને અટકાવવા કાયદાકીય કાર્યવાહી સાથે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવા સૂચના આપી છે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “રાજ્યના યુવાધનને નશાની લતથી બચાવવા સરકાર કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓનલાઇન ઈ-કોમર્સ પ્લેટફોર્મ હોય કે ભૌતિક દવાની દુકાન—ગેરકાયદેસર રીતે દવાઓનું વેચાણ કરનારાઓ સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે.” VNI NEWS, FDCA Gujarat, illegal drug sale, Vadodara, Surat, Pranav Panseriya, NCB, codeine cough syrup, Tramadol, Sildenafil, Drugs and Cosmetics Act, FDCA Gujarat action, illegal drug sale Gujarat, illegal medicines Vadodara Surat, codeine cough syrup seizure, Sildenafil illegal sale
