~મહેસાણાના વડનગર ખાતે ચાલી રહેલી જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરાની ટીમોએ વિજય મેળવ્યો.
Mehsana, Gujarat, Aug 08 (VNI): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ચાલી રહેલી જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં શનિવારે વિવિધ રોમાંચક મુકાબલા રમાયા હતા. જેમાં બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરાની ટીમોએ પોતાના પ્રતિસ્પર્ધીઓને હરાવીને વિજય મેળવ્યો હતો.
શનિવારે રમાયેલી મેચમાં બનાસકાંઠાની ટીમે વલસાડની ટીમ સામે આસાન વિજય મેળવ્યો હતો, જ્યારે પાટણની ટીમે રાજકોટની ટીમને હરાવી હતી. સુરતની ટીમે ભરુચ સામે જીત મેળવી હતી અને વડોદરાની ટીમે ભાવનગરની ટીમને આસાનીથી માત આપી હતી.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂલરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા, સુરત અને પાટણની ટીમો હાલ મજબૂત દેખાઈ રહી છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે આ જિલ્લાની ટીમોમાં ડીએલએસએસની ગર્લ્સ ખેલાડીઓ પણ રમે છે અને તેઓ આખું વર્ષ નિયમિત પ્રેક્ટિસ કરીને સારા ખેલાડીઓ તરીકે તૈયાર થાય છે.
ટુર્નામેન્ટમાં રવિવારે પ્રથમ મેચ રાજકોટ અને વલસાડ વચ્ચે, બીજી મેચ બનાસકાંઠા અને પાટણ વચ્ચે, ત્રીજી મેચ ભરુચ અને અમદાવાદ વચ્ચે તથા ચોથી અને અંતિમ મેચ ભાવનગર અને કચ્છ વચ્ચે રમાશે. રવિવારના મુકાબલા બાદ સેમિફાઇનલમાં પહોંચનારી ટીમો નક્કી થશે.
આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026નું આયોજન વડનગર એસએજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે 7થી 11 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. VNI NEWS, Junior Girls Football Tournament, Inter District Football Tournament 2026, Gujarat Football, Banaskantha Football, Patan Football, Surat Football, Vadodara Football, Gujarat State Football Association, Vadnagar Sports, Vadnagar Football Tournament, VNINews, VNINews.com
