~અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ચૂંટણી પારદર્શિતા વિષયક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો, જેમાં ભારત અને ફિલિપાઇન્સના ચૂંટણી અધિકારીઓ, કાયદા નિષ્ણાતો અને શિક્ષણવિદોએ લોકશાહી અને ચૂંટણી પારદર્શિતા અંગે વિચારવિમર્શ કર્યો.

Ahmedabad, Gujarat, July 21 (VNI): લોકશાહી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા મંગળવારે અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ યોજાયો હતો. દેશ-વિદેશના ચૂંટણી અધિકારીઓ, કાયદા નિષ્ણાતો, શિક્ષણવિદો અને સંશોધકો માટે આ પરિસંવાદ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ચર્ચામંચ બન્યો હતો.
પરિસંવાદનું આયોજન મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોક્રસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળે, રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી નવીન મહાજન, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, રીન્કેશ પટેલ તેમજ ફિલિપાઇન્સના ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રના પ્રતિનિધિઓ Atty. Jovencio G. Balanquit અને Atty. Zennia S. Ledesma ઉપસ્થિત રહ્યા હતા.
ફિલિપાઇન્સના પ્રતિનિધિ Atty. Jovencio G. Balanquitએ ભારતની ચૂંટણી વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે ચૂંટણી તંત્ર સાથે રાજકીય પક્ષો, નાગરિક સંગઠનો અને મીડિયા પણ મહત્વપૂર્ણ ‘વોચડોગ’ અને ઓડિટર તરીકે કાર્ય કરે છે. તેમણે મતદારયાદીની વિશ્વસનીયતા, મતદાન અને મતગણતરીમાં પારદર્શિતા તેમજ ટેક્નોલોજીના અસરકારક ઉપયોગને લોકશાહી માટે અનિવાર્ય ગણાવ્યા હતા.
રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી નવીન મહાજને જણાવ્યું કે મતદારયાદી, મતદાન અને મતગણતરીના તમામ તબક્કામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી ભારતીય ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાનું પ્રતિબિંબ છે. તેમણે યુવાનોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે આવા પરિસંવાદોનું મહત્વ પણ રેખાંકિત કર્યું હતું.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેએ જણાવ્યું કે પરિસંવાદ દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં સંસ્થાકીય માળખું, રાજકીય પક્ષોની દેખરેખ, પારદર્શિતા, ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થાની Auditability, સાયબર સુરક્ષા અને જાહેર વિશ્વાસ જેવા પાંચ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના અનુભવો અને સૂચનો ચૂંટણી પારદર્શિતા તથા જવાબદેહી મજબૂત બનાવવા માટે નીતિગત ભલામણો તૈયાર કરવામાં ઉપયોગી બનશે. તેમણે યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા પણ આહ્વાન કર્યું.
પરિસંવાદમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીઓના કુલપતિઓ, રજિસ્ટ્રારો, કાયદા નિષ્ણાતો, સંશોધકો, ચૂંટણી અધિકારીઓ, વરિષ્ઠ પત્રકારો તેમજ નિરમા યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ કે.કે. પટેલ, ડીન ડૉ. માધુરી પરીખ, ડી.જી. ડૉ. આર.એન. પટેલ, ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. VNI NEWS, Electoral Transparency, Nirma University, Gujarat CEO, Election Symposium, IIIDEM, Democracy, Election Commission, Ahmedabad, Election Management, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *