~એશિયા-ઓશિનિયા FIBA અંડર-18 બાસ્કેટબૉલ ચેમ્પિયનશિપમાં મૂળ ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સ ભારતીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

Ahmedabad, Gujarat, Aug 09 (VNI): અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 13 ઑગસ્ટથી યોજાનારી એશિયા-ઓશિનિયા FIBA અંડર-18 બાસ્કેટબૉલ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં મૂળ ભાવનગરના રોનાલ્ડો હોપકિન્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
બાસ્કેટબૉલ પ્રત્યેના આકર્ષણથી માંડીને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા સુધીની પોતાની સફર વિશે વાત કરતાં રોનાલ્ડોએ જણાવ્યું કે બાસ્કેટબૉલની રમત તેને વારસામાં મળી છે. તેની માતા પણ નેશનલ લેવલની બાસ્કેટબૉલ ખેલાડી રહી ચૂક્યાં હોવાથી તેને બાળપણથી જ આ રમત પ્રત્યે સ્વાભાવિક રસ જાગ્યો હતો. સાતમા ધોરણથી તેણે સ્કૂલની બાસ્કેટબૉલ ટીમ માટે રમવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સ્થાનિક ક્લબમાંથી સ્ટેટ તથા નેશનલ લેવલ સુધીની સફર ખેડી.
મે 2026માં શ્રીલંકામાં સાઉથ એશિયન બાસ્કેટબૉલ એસોસિએશન (SABA) દ્વારા આયોજિત ક્વૉલિફાઇંગ ચેમ્પિયનશિપમાં પણ રોનાલ્ડો ભારતીય ટીમનો હિસ્સો રહ્યો હતો. આ સ્પર્ધામાં ભારતીય ટીમ વિજેતા બની હતી, જેના પરિણામે ટીમ હવે અમદાવાદ ખાતે યોજાનારી એશિયા-ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે.
રોનાલ્ડોએ જણાવ્યું કે તેની કારકિર્દીની ઊંચાઈઓ સુધી પહોંચવામાં ખેલાડીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ એક પછી એક સીડીની જેમ મદદરૂપ બની છે. રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), એકેડેમી અને શક્તિદૂત જેવી યોજનાઓ ખેલાડીઓને પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડે છે. હાલમાં તેને સરકાર તરફથી દર મહિને આર્થિક સહાય પણ મળે છે.
તેણે વધુમાં જણાવ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અત્યાધુનિક સુવિધાઓ, અનુભવી ડાયેટિશિયન દ્વારા સૂચવાયેલો આહાર અને વર્લ્ડ-ક્લાસ ટ્રેનિંગ સુવિધાઓ તેની રમતને નવી દિશા આપી રહી છે. આ સુવિધાઓ માટે તેણે ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓની શરૂઆત કરાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આ પરંપરાને આગળ ધપાવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.
પોતાના હોમ ગ્રાઉન્ડ પર યોજાનારી આ ચેમ્પિયનશિપમાં ભારત માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું પોતાનો મુખ્ય લક્ષ્યાંક હોવાનું રોનાલ્ડોએ જણાવ્યું હતું. રમતગમત ક્ષેત્રે આગળ વધવા માગતા બાળકો અને યુવાનો માટે પ્રેરણારૂપ પ્રદર્શન કરવાની દૃઢ પ્રતિબદ્ધતા પણ તેણે વ્યક્ત કરી હતી. VNI NEWS, Ronaldo Hopkins, FIBA U18 Basketball Championship, Gujarat Basketball, Indian Basketball Team, Ahmedabad, Bhavnagar, Sports Gujarat, Basketball Championship, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *