~A literary lecture titled ‘Vamal Na Van’ was organised in Ahmedabad on the 48th death anniversary of poet and translator Jagdish Ramkrishna Joshi, highlighting his life, poetry and literary contribution.
Ahmedabad, Gujarat, Sep 21 (VNI): કવિ અને અનુવાદક જગદીશ રામકૃષ્ણ જોષીની ૪૮મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં ‘વમળનાં વન’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આશ્રમ રોડ સ્થિત મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ જગદીશ જોષીના જીવન, કવન અને સાહિત્યિક પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ગાયક કલાકાર વિપુલ આચાર્ય અને હિના પંડિતે કવિ જગદીશ જોષીની રચનાઓની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી. વિપુલ આચાર્યે ‘ધારોકે એક સાંજ આપણે મળ્યાં…’ અને ‘વાંસની કરી છાબડી તેમાં દુ:ખ મુકીને વહેણમાં વહેતુ કરી…’ જેવી રચનાઓ રજૂ કરી હતી, જ્યારે હિના પંડિતે ‘ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા…’ની સંગીતમય રજૂઆત કરી હતી.
ત્યારબાદ સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીએ જગદીશ જોષીના જીવન અને કવન વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જગદીશ જોષી ગુજરાતી સાહિત્યનું જાણીતું નામ છે અને તેમણે કવિતા તથા અનુવાદ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમનું મોટાભાગનું જીવન મુંબઈમાં વિત્યું હોવા છતાં ભાવનગર જિલ્લાના તેમના મૂળ વતનની તળપદી ભાષા અને અરૂઢ શબ્દોની સુંદરતા તેમની કવિતામાં જોવા મળે છે.
હર્ષદ ત્રિવેદીએ જગદીશ જોષીની કવિતાની વિશિષ્ટતાઓ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે તેમની રચનાઓમાં ઋજુ સ્વભાવ સાથે નવી કલ્પનાશક્તિ જોવા મળે છે. તેમની કવિતાઓમાં ઉલ્લાસ અને કરુણ એકસાથે અનુભવાય છે. ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં…’ તેમની લોકપ્રિય રચનાઓમાંની એક છે. ઉમાશંકર જોશીએ પણ તેમની કવિતામાં વતનની ભાષા, મીઠાશ અને માટીનું મૂળ જોવા મળે છે તેમ નોંધ્યું હતું. તેમણે જગદીશ જોષીની કવિતાને સુરેશ જોષીથી સુરેશ દલાલ વચ્ચેના સેતુ સમાન ગણાવી હતી. ‘વમળનાં વન’ને તેમનું યશસ્વી સર્જન ગણાવતા તેમણે તેમની છંદોબદ્ધ અને અછાંદસ રચનાઓની વિશિષ્ટતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે કવિ જગદીશ જોષીના સ્નેહીજનો હેમન્ત જાની, કલ્પના જાની ઉપરાંત સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નહોતી. VNI NEWS, Jagdish Ramkrishna Joshi, Vamal Na Van, Gujarati Literature, Gujarati Poet, Gujarati Poetry, Literary Lecture, Jagdish Joshi Death Anniversary, Ahmedabad Literature, Om Communication, Jagdish Ramkrishna Joshi, Vamal Na Van, Gujarati literature, Jagdish Joshi poetry, VNINews, VNINews.com
