~ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિર દ્વારા અમદાવાદમાં 27થી 31 જુલાઈ દરમિયાન પાંચ દિવસીય હવેલી સંગીત વર્કશોપનું આયોજન. નોંધણી ફી ₹550.
Ahmedabad, Gujarat, July 19 (VNI): ભારતીય ભક્તિ સંગીતની સમૃદ્ધ પરંપરાના સંવર્ધન, સંરક્ષણ અને નવી પેઢી સુધી તેના જ્ઞાનના પ્રસારના હેતુથી અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠના કલા મંદિર દ્વારા 27થી 31 જુલાઈ, 2026 દરમિયાન પાંચ દિવસીય ‘હવેલી સંગીત વર્કશોપ’નું આયોજન કરવામાં આવ્યું છે.
વર્કશોપ દરમિયાન સહભાગીઓને હવેલી સંગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય સાથે તેની પરંપરાગત ગાયનશૈલીનો પરિચય કરાવવામાં આવશે. ઉપરાંત પદગાયન, વિવિધ રાગોની વિશેષતાઓ અને પ્રાયોગિક તાલીમ દ્વારા હવેલી સંગીતના વિવિધ પાસાઓનો અનુભૂતિમય અભ્યાસ પણ કરાવવામાં આવશે.
વર્કશોપનું માર્ગદર્શન સુર શૃંગાર કીર્તન વિદ્યાલયના જાણીતા હવેલી સંગીતકાર શ્રી મંગલભાઈ બાપોદરા આપશે. સંગીતના વિદ્યાર્થીઓ, કલાકારો, સંશોધકો તેમજ ભારતીય શાસ્ત્રીય અને ભક્તિ સંગીતમાં રસ ધરાવતા સંગીતપ્રેમીઓ માટે આ વર્કશોપ વિશેષ લાભદાયી બનશે.
વર્કશોપનું આયોજન 27થી 31 જુલાઈ દરમિયાન દરરોજ સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. વર્કશોપ માટે નોંધણી ફી ₹550 નક્કી કરવામાં આવી છે. કલા મંદિર દ્વારા સંગીતરસિકોને ભારતીય ભક્તિ સંગીતની આ અમૂલ્ય પરંપરાને નજીકથી જાણવા, સમજવા અને અનુભવવાની આ અનોખી તકનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. VNI NEWS, Gujarat Vidyapith, Haveli Sangeet Workshop, Ahmedabad, Bhakti Music, Mangalbhai Bapodra, Classical Music, Workshop, VNINews, VNINews.com
