~ઓડિશાના ઉચ્ચ શિક્ષણ પ્રતિનિધિમંડળે ગુજરાત યુનિવર્સિટી અને GUSECની મુલાકાત લઈ સ્ટાર્ટઅપ, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી.
Ahmedabad, Gujarat, Aug 12 (VNI): ઓડિશા સરકારના ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને યુવા સેવા તથા ઓડિયા ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ વિભાગના મંત્રી સૂર્યબંશી સુરજના વડપણ હેઠળ કુલપતિઓ, શિક્ષણ ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રોફેસરોનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું હતું. પ્રતિનિધિમંડળે ગુજરાતની અગ્રણી ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લઈ ઉચ્ચ શિક્ષણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં ગુજરાતના મોડલની માહિતી મેળવી હતી.
મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે Gujarat University Startup & Entrepreneurship Council (GUSEC)ની મુલાકાત લીધી હતી. અહીં યુનિવર્સિટી આધારિત નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ વિકાસના ગુજરાત મોડલ અંગે વિસ્તૃત રજૂઆત તથા ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટી, ઇન્ક્યુબેશન સેન્ટર્સ અને વિવિધ ઇકોસિસ્ટમ પાર્ટનર્સના સહયોગથી નવીનતા તથા ઉદ્યોગસાહસિકતા સંબંધિત નીતિઓના અસરકારક અમલીકરણ અંગે બંને પક્ષોએ અનુભવો અને શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રતિનિધિમંડળે GUSECની અદ્યતન સુવિધાઓ, ઇન્ક્યુબેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમગ્ર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું અવલોકન કર્યું હતું. GUSECની કાર્યપદ્ધતિ તથા યુનિવર્સિટી આધારિત ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ડેવલપમેન્ટ મોડલથી પ્રતિનિધિમંડળના સભ્યો પ્રભાવિત થયા હતા અને તેમણે તેની સુવિધાઓની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત, GUSEC દ્વારા ઇન્ક્યુબેટ કરવામાં આવેલા વિવિધ સ્ટાર્ટઅપ્સના નવીન ઉત્પાદનો અને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સનું લાઇવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિમંડળે સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી તેમના ઉત્પાદનો, ટેક્નોલોજી, સંશોધન અને ભવિષ્યની વિકાસ સંભાવનાઓ અંગે માહિતી મેળવી હતી.
મુલાકાત બાદ ઓડિશાના પ્રતિનિધિમંડળે ગુજરાત યુનિવર્સિટી અને GUSEC સાથે વધુ ગાઢ સહયોગ સ્થાપિત કરવામાં રસ દર્શાવ્યો હતો. ગુજરાત અને ઓડિશા વચ્ચે નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ વિકાસ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહકારને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત યુનિવર્સિટી સાથે MoU કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ મુલાકાત બંને રાજ્યો વચ્ચે જ્ઞાન, અનુભવો, નવીન વિચારો અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાન માટે મહત્વપૂર્ણ સેતુ બની રહી છે. VNI NEWS, Gujarat University, Odisha Higher Education, GUSEC, Startup Ecosystem, Entrepreneurship, Innovation, Higher Education, Gujarat, Odisha, Odisha Higher Education Delegation, Higher Education Collaboration, VNINews, VNINews.com
