~ગુજરાત સુપર લીગ-3 ફૂટબોલ ટુર્નામેન્ટનો અમદાવાદમાં શાનદાર પ્રારંભ. ઓપનિંગ મેચમાં ગાંધીનગર જાયન્ટ્સે કર્ણાવતી નાઇટ્સને 1-0થી હરાવ્યું.
Ahmedabad, Gujarat, Sep 01 (VNI): ગુજરાત સુપર લીગ-3 ફૂટબોલ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ મંગળવારે એકા અરેના ફૂટબોલ ગ્રાઉન્ડ, ટ્રાન્સસ્ટેડિયા ખાતે થયો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 13 સપ્ટેમ્બરના રોજ રમાશે.
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં છ ફ્રેન્ચાઇઝી દ્વારા છ ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાત તેમજ ગુજરાત બહારના પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ કરીને ટીમોની રચના કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઇટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર્સ ટીમો ભાગ લઈ રહી છે.
ઓપનિંગ સેરેમની બાદ રમાયેલી પ્રથમ મેચ ગાંધીનગર જાયન્ટ્સ અને કર્ણાવતી નાઇટ્સ વચ્ચે રમાઈ હતી. શરૂઆતથી જ બંને ટીમોએ આક્રમક રમત સાથે મેદાન પર પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી નહોતી.
બીજા હાફમાં ગાંધીનગર જાયન્ટ્સને મળેલી તકમાં પેનલ્ટી એરિયામાં ડિફેન્ડર દ્વારા બોલ ક્લિયર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બોલ ગાંધીનગર જાયન્ટ્સના જર્સી નંબર 73 ધરાવતા પલાશ બાર્બરને મળ્યો હતો. પલાશે શાનદાર ફિનિશિંગ સાથે ગોલ કરી ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. અંતે ગાંધીનગર જાયન્ટ્સે 1-0થી વિજય મેળવ્યો હતો. પલાશ બાર્બરને તેમના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન છ ટીમોના ઓનર્સ અને ટીમ કેપ્ટનો સાથે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના ડેપ્યુટી સેક્રેટરી જનરલ એમ. સત્યનારાયણ તેમજ ઉપસ્થિત મહેમાનોનો પરિચય ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા દ્વારા કરાવવામાં આવ્યો હતો.
બુધવારે સાંજે 6:30 વાગ્યે વડોદરા વોરિયર્સ અને અમદાવાદ એવેન્જર્સ વચ્ચે મેચ રમાશે, જ્યારે રાત્રે 9:00 વાગ્યે સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ અને સુરત સ્ટ્રાઈકર્સ આમને-સામને ટકરાશે. VNI NEWS, Gujarat Super League 3, Gujarat Football, Gujarat Football League, Gandhinagar Giants, Karnavati Knights, Ahmedabad Football, Gujarat State Football Association, GSFA, VNINews, VNINews.com
