~Adani Vidyamandir Ahmedabad organised an awareness session on child safety, the POCSO Act 2012 and cyber bullying in collaboration with DLSA.
Ahmedabad, Gujarat, Oct 30 (VNI) : અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ખાતે વિદ્યાર્થીઓમાં બાળ સુરક્ષા, કાયદાકીય જાગૃતિ અને ડિજિટલ સુરક્ષા અંગે સમજ વિકસાવવાના ઉદ્દેશ્યથી ‘બાળ સુરક્ષા, પોક્સો એક્ટ અને સાયબર બુલિંગ’ વિષય પર વિશેષ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. “યુવા મનને સશક્ત બનાવવું, બાળપણને સુરક્ષિત કરવું”ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળા પ્રશાસન અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી (DLSA)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે એડિશનલ સિનિયર સિવિલ જજ ટી. પી. શાહ, DLSAના ડેપ્યુટી રજિસ્ટ્રાર પલ્લવ ગોસાઈ, પેનલ એડવોકેટ સંજય ઝાલા અને પેરા લીગલ વોલેન્ટિયર હીના અલગોતર ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ઇન્દોરિયા અને શિક્ષકગણે તમામ કાયદાકીય નિષ્ણાતોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.
સત્ર દરમિયાન એડિશનલ સિનિયર સિવિલ જજ ટી. પી. શાહે વિદ્યાર્થીઓને બાળ શોષણ સામે રક્ષણ આપતા પોક્સો (POCSO) એક્ટ, 2012ની જોગવાઈઓ સરળ ભાષામાં સમજાવી હતી. તેમણે બાળકોને કોઈપણ અયોગ્ય વર્તન સામે ડર્યા વિના અવાજ ઉઠાવવા અને જરૂર પડે ત્યારે યોગ્ય વ્યક્તિની મદદ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ, પેનલ એડવોકેટ સંજય ઝાલાએ સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે સાયબર સુરક્ષાના મહત્વ અને સાયબર બુલિંગ એટલે કે ઓનલાઈન માનસિક કનડગતના જોખમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત, મુશ્કેલી કે આપત્તિના સમયે બાળકોને મદદ મળી રહે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. શાળા પ્રવક્તાએ જણાવ્યું હતું કે જાગૃતિ એ બાળ સશક્તિકરણ તરફનું પ્રથમ પગલું છે અને અદાણી વિદ્યામંદિર દરેક બાળકને ઓફલાઇન તેમજ ઓનલાઇન બંને માધ્યમોમાં સુરક્ષિત, સક્ષમ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છે. સત્રના અંતે યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓએ કાયદાકીય નિષ્ણાતો સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને તેના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. વિદ્યાર્થીઓમાં બાળ અધિકારો, કાયદાકીય જોગવાઈઓ અને ડિજિટલ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુ સાથે આ માહિતીપ્રદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. VNI NEWS, Adani Vidyamandir Ahmedabad, Child Safety Awareness, POCSO Act 2012, Cyber Bullying Awareness, Child Helpline 1098, DLSA Ahmedabad, Adani Vidyamandir Ahmedabad, Child Safety, POCSO Act, Cyber Bullying, Cyber Safety, DLSA, Child Helpline 1098, Ahmedabad Schools,VNINews, VNINews.com
