~ગુજરાતી પ્રકાશનના સમૃદ્ધ ઇતિહાસને દસ્તાવેજી સ્વરૂપ આપતા ‘અક્ષરને અજવાળનારા’ ગ્રંથનું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

Ahmedabad, Gujarat, Aug 11 (VNI): ગુજરાતી ભાષા, સાહિત્ય અને પ્રકાશન ક્ષેત્રના શતાબ્દીઓ લાંબા સમૃદ્ધ વારસાને દસ્તાવેજી સ્વરૂપે આલેખતા મહત્ત્વાકાંક્ષી ગ્રંથ **‘અક્ષરને અજવાળનારા’**નું અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાહિત્યકાર રતિલાલ બોરીસાગર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા તથા નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના તંત્રી અજય ઉમટે ગ્રંથનું લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતી ભાષામાં પ્રકાશન પ્રવૃત્તિનો સુસંગત, પરંપરાગત અને ક્રમબદ્ધ ઇતિહાસ અત્યાર સુધી દસ્તાવેજી સ્વરૂપે સચવાયો ન હતો. ગુજરાતી પ્રકાશકોના સાહસ, કૌશલ્ય અને નિષ્ઠાને કારણે અનેક દાયકાઓથી અક્ષરની આ યાત્રા સતત આગળ વધી છે. શબ્દના આ શિલ્પીઓને ભાવાંજલિ આપવા માટેના વિચારને ગુજરાતી પ્રકાશક મંડળના સભ્યોએ વ્યાપક દસ્તાવેજી ગ્રંથનું સ્વરૂપ આપ્યું છે. રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારીએ આ ગ્રંથનું લેખન અને સંપાદન કર્યું છે.
કાર્યક્રમ દરમિયાન પ્રકાશક મંડળના પ્રમુખ વિવેક દેસાઈ અને ઉપપ્રમુખ જગદીશ પટેલ દ્વારા ઇતિહાસ સમિતિના માનદ્ સભ્યો મનુભાઈ શાહ, કૃષ્ણકાંત મદ્રાસી, સુધીર શાહ, રશ્મિકાંત શાહ, દ્રષ્ટિ પટેલ અને ધવલ જમનાદાસ સહિત ગ્રંથના દાતાઓ પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ માંકડિયા તથા નવનીત પ્રકાશન વતી સુનીલભાઈનું શ્રીગણેશની મૂર્તિ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિના સ્વર્ગસ્થ સભ્યો ભગતભાઈ શેઠ અને ભરતભાઈ અનડાના વિશેષ પ્રદાનની પણ નોંધ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી ચિંતન શેઠે કર્યું હતું.
‘અક્ષરને અજવાળનારા’માં સર્જક અને વાચક વચ્ચે અવિરત સેતુ બની રહેલા પ્રકાશકો, સંસ્થાઓ અને મુદ્રકોના પરિશ્રમ, નિષ્ઠા અને સંઘર્ષની યાત્રાને શબ્દબદ્ધ કરવામાં આવી છે. અનેક વિષમતાઓ અને આર્થિક જોખમો વચ્ચે પણ અક્ષરનો દીપ પ્રજ્વલિત રાખનારા પ્રકાશન ક્ષેત્રના અગ્રણીઓના યોગદાનને આ ગ્રંથમાં દસ્તાવેજી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પ્રકાશકો, મુદ્રકો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી પ્રકાશનના ઇતિહાસને સચવતો આ ગ્રંથ ગુજરાતી ભાષા અને સાહિત્યના દસ્તાવેજીકરણમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બની રહેશે. VNI NEWS, Gujarati Publication History, Aksharne Ajvalnara, Gujarati Literature, Gujarati Publishers, Gujarati Language, Book Publishing, Gujarati Prakashak Mandal, Gujarati Publishers, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *