~અમદાવાદમાં ઓમ કૉમ્યુનિકેશનના પુસ્તક-પરિચય કાર્યક્રમમાં પ્રફુલ્લ રાવલે ‘અનેકએક’ અને મીનલ દવેએ ‘વિભાજનની વ્યથા’નો આસ્વાદલક્ષી પરિચય કરાવ્યો.

Ahmedabad, Gujarat, Sep 05 (VNI): સાહિત્યસર્જક કમલ વોરાના પુસ્તક ‘અનેકએક’ વિશે સાહિત્યકાર પ્રફુલ્લ રાવલે અને સાહિત્યસર્જક શરીફા વીજળીવાળાના પુસ્તક ‘વિભાજનની વ્યથા’ વિશે સાહિત્યકાર મીનલ દવેએ શનિવારે આસ્વાદલક્ષી પરિચય કરાવી મનનીય વક્તવ્ય આપ્યું હતું.
મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક-પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ‘અનેકએક’ અને ‘વિભાજનની વ્યથા’ બંને પુસ્તકોની સાહિત્યિક વિશેષતાઓ તથા વિષયવસ્તુ અંગે રસપ્રદ પરિચય આપવામાં આવ્યો હતો.
પ્રફુલ્લ રાવલે જણાવ્યું હતું કે કમલ વોરાના ‘અનેકએક’ સંગ્રહની કવિતાઓમાં તત્ત્વ અને સત્ત્વ બંને પમાય છે. તેઓ એકવીસમી સદીના આધુનિક કવિ છે. તેમના કાવ્યો મોટેભાગે અભિધાથી શરૂ થઈ લક્ષણા અને વ્યંજનાના સ્તરે પહોંચે છે, જેમાં અનેક સંકેતો રહેલા છે. તેમની ભાષાભિવ્યક્તિ અનોખી છે. ભાષા સહજ અને સરળ હોવા છતાં તેના અર્થો ગૂઢ છે. ‘કોરા કાગળ’ વિશેની કવિતામાં કાગળનો પ્રતિકાત્મક ઉપયોગ કરીને માનવમનની કોરાપણાની શોધ કરવામાં આવી છે. સમુદ્રની ખળભળાટ સાથે કાગળની સરખામણી કરીને કવિએ કવિતામાં અનેક પરિમાણો ઊભાં કર્યા છે.
મીનલ દવેએ જણાવ્યું હતું કે શરીફા વીજળીવાળાના ‘વિભાજનની વ્યથા’ પુસ્તકને વર્ષ 2018નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. સ્વતંત્રતાની લાંબી લડત બાદ હિન્દુસ્તાન સ્વતંત્ર થયું, પરંતુ ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં વિભાજિત થયું. ભારતીય ઉપખંડને જોયા વિના સર રેડક્લિફે વિભાજનની રેખા દોરી અને તેના પરિણામે સ્થળાંતરની કરુણાંતિકા સર્જાઈ. લાખો લોકો બેઘર બન્યા અને લાખોએ જીવ ગુમાવ્યા. ખાસ કરીને મહિલાઓએ અસહ્ય અત્યાચારનો ભોગ બનવું પડ્યું. આ વિભાજન શા માટે અને કેવી રીતે થયું તેની પૃષ્ઠભૂમિ તથા કારણોની તપાસ કરતું આ પુસ્તક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નહોતી. VNI NEWS, Anekek, Kamal Vora, Prafull Raval, Vibhajanni Vyatha, Sharifa Vijliwala, Minal Dave, Gujarati Literature, Ahmedabad Literary Event, Anekek, Ahmedabad, Book Introduction, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *