~અમદાવાદમાં કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિ નિમિત્તે ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું. પ્રો. ભાવેશ વાળા અને સાહિત્યકાર રમણ સોનીએ તેમના જીવન અને સાહિત્યસર્જન પર વક્તવ્ય આપ્યાં.

Ahmedabad, Gujarat, July 30 (VNI): અમદાવાદમાં ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ અરદેશર ફરામજી ખબરદારની 73મી પુણ્યતિથિના અવસરે ગુરુવારે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘રાષ્ટ્રિકા’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), આશ્રમ રોડ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમના સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે વ્યાખ્યાનમાં પ્રો. ભાવેશ વાળાએ કવિ અરદેશર ફરામજી ખબરદારના જીવન અને વ્યક્તિત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે સાહિત્યકાર રમણ સોનીએ તેમના સાહિત્યસર્જન, રાષ્ટ્રભક્તિની કવિતાઓ અને ગુજરાતી સાહિત્યમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો.
પ્રો. ભાવેશ વાળાએ જણાવ્યું કે અરદેશર ફરામજી ખબરદારનો જન્મ 6 નવેમ્બર, 1881ના રોજ દમણમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ બાદ તેઓ મુંબઈમાં અંગ્રેજી અભ્યાસ માટે ગયા અને પછી જીવનનિર્વાહ માટે મદ્રાસમાં સ્થાયી થયા, છતાં તેમનું હૃદય હંમેશા ગુજરાત સાથે જોડાયેલું રહ્યું. ‘સદાકાળ ગુજરાત’ અને ‘ગુણવંતી ગુજરાત’ જેવી અમર કૃતિઓના સર્જક કવિ ખબરદારનું 30 જુલાઈ, 1953ના રોજ મદ્રાસમાં અવસાન થયું હતું.
સાહિત્યકાર રમણ સોનીએ જણાવ્યું કે અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી સાહિત્યના સાક્ષરયુગના અગ્રણી કવિ હતા અને તેમની રાષ્ટ્રભક્તિની કવિતાઓ આજે પણ લોકહૃદયમાં જીવંત છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ જેવી તેમની પ્રસિદ્ધ પંક્તિ આજે પણ ગુજરાતી અસ્મિતાનું પ્રતિક માનવામાં આવે છે. તેમણે 18થી વધુ કાવ્યસંગ્રહો તેમજ છંદવિચારનો મહત્વપૂર્ણ ગ્રંથ આપ્યો હતો અને 1924માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. VNI NEWS, Ardeshar Faramji Khabardar, Ahmedabad Literary Lecture, Gujarati Literature, Rashtrika, Om Communication, Ahmedabad, Literary Event, Raman Soni, Bhavesh Vala, Om Communication

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *